ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ અંબાલીના અસરગ્રસ્ત પરિવારોને કરી આર્થિક સહાય
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી
ગોધરા: ગોધરાના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સી.કે.રાઉલજીએ ગોધરા તાલુકાના અંબાલી (બગીડોળ) ગામે શોર્ટ સર્કિટના કારણે ઘર ગુમાવનાર બે રાજપૂત પરિવારોની મુલાકાત લીધી હતી અને તેમને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડી હતી.
તાજેતરમાં, અંબાલી ગામે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી કનકસિંહ અમરસિંહ સિસોદિયા અને પ્રફુલસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયાના મકાનો બળી ગયા હતા. આ દુઃખદ ઘટનાને પગલે, ધારાસભ્ય સી.કે.રાઉલજી અને રાજપૂત સમાજના અગ્રણીઓએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી.
આ મુલાકાત દરમિયાન, પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ વતી અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૧૫,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્ય સી.કે.રાઉલજીએ પોતે વ્યક્તિગત રૂ. ૧૦,૦૦૦ની તાત્કાલિક રાહત સ્વરૂપે મદદ કરી હતી.
આ પ્રસંગે સી.કે.રાઉલજી ઉપરાંત પી.ડી. સોલંકી, ચંદ્રસિંહ રાઉલજી, પ્રવિણસિંહ રાઉલજી, શિવરાજસિંહ સાઉલજી, અરવિંદસિંહ સિસોદિયા, ભારતસિંહ સોલંકી, અશ્વિનસિંહ સોલંકી, દિગપાલસિંહ ચૌહાણ અને અશોકસિંહ સોલંકી સહિત રાજપૂત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રાજપૂત સમાજે આ દુઃખદ ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદ કરવા માટે તત્પરતા બતાવી હતી. હોદ્દેદારોએ લાગણી વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં આવી ઘટનાઓ માટે રાજપૂત સમાજ પંચમહાલ દ્વારા અલાયદા ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ધારાસભ્ય અને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ભવિષ્યમાં પણ તમામ મદદની ખાતરી આપવામાં આવી હતી.