Rajkot: મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટના જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટમાં મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત ઉદગમ સ્કૂલના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે બાંધકામ સાઇટ પરના મજૂરોના બાળકોને સ્ટેશનરી અને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું અને સાથેસાથે પૌષ્ટિક ઘરેલું નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
શ્રી હર્ષદભાઈએ જણાવ્યું કે “મારા જન્મદિવસને બાળકો સાથે ઉજવવાનો જે આનંદ મને મળ્યો છે, તે અનોખો છે. શિક્ષણ એ સૌથી મોટું દાન છે. જન્મદિવસ સાચા અર્થમાં સેવા માટે ઉજવવો જોઈએ.” આ કાર્યક્રમથી બાળકોને ખુશી સાથે ભણતરની પ્રેરણા મળી હતી.
આ પ્રસંગે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવે જીવનદીપ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બાળકોને ભણતા જોઈને ટ્રસ્ટના પ્રયાસોને બિરદાવ્યા હતાં. શ્રી પ્રદીપ ડવે જણાવ્યું હતું કે -“જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટ જેવા કાર્યો સમાજમાં પરિવર્તન લાવી શકે છે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિ પ્રશંસનીય છે.”
આ તકે શ્રી મનસુખભાઈ વેકરીયા, શ્રી રમેશભાઈ લાઠીયા, શ્રી દશરથસિંહ જાડેજા, શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી મહોબતસિંહ જાડેજા અને શ્રી કૌશિકભાઈ અકબરી ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે સેવાભાવી લોકો સંસ્થા સાથે જોડાવા ઇચ્છતા હોય અથવા જરૂરિયાતમંદ બાળકને ભણાવવા ઈચ્છતા હોય તો મો.નં. ૯૭૩૭૦ ૦૭૬૫૫ પર સંપર્ક કરી શકાશે.