Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે લોધિકા તાલુકામાં રૂ. ૩૧૬ લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ
તા.૩/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
લોધિકાના પાળ ગામે રૂ. ૧૧૬.૭૨ લાખના ખર્ચે તેમજ રાવકી ગામે રૂ. ૭૬.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત શાળાઓનું લોકાપર્ણ
લોધિકા ખાતે રૂ. ૧૨૩.૧૯ લાખના ખર્ચે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ
Rajkot: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર થકી સમગ્ર દેશમાં માત્ર શહેરો જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં શહેરી તેમજ ગ્રામ્ય ક્ષેત્રે છેવાડાના માનવી સુધી રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અસરકારક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
આજરોજ રાજકોટ પધારેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં કોટડા સાંગાણી પંથકમાં રસ્તાના રૂ. ૫૦ કરોડથી વધુના વિકાસકામોના ખાતમૂહુર્ત બાદ લોધિકા તાલુકામાં રૂ. ૩૧૬ લાખથી વધુની કિંમતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટના લોધિકા તાલુકામાં મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પાળ ગામે રૂ. ૧૧૬.૭૨ લાખના ખર્ચે તેમજ રાવકી ગામે રૂ. ૭૬.૭૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવતા શાળાના બાળકોએ આ પ્રસંગને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો હતો. નવનિર્મિત શાળાઓમાં રમતગમત માટે વિશાળ મેદાન, ક્લાસરૂમ, ગ્રીન બોર્ડ, લાઈટ, પંખા સાથે, કમ્પ્યુટર લેબ, પ્રિન્સિપલની ઓફિસ, શૌચાલય, પાણીના બોર અને ટાંકા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ ત્યારબાદ લોધિકા ખાતે રૂ. ૧૨૩.૧૯ લાખના ખર્ચે નિર્મિત આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કરી આ તાલુકાના લોકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા લોધિકા ખાતે આશરે ૨ હજાર ચો.મી.માં અત્યાધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડમાં યાત્રીકોની સુગમતા માટે વિશાળ વેઇટિંગ હોલ, કંટ્રોલ રૂમ, ડ્રાયવર, કંડકટર રેસ્ટ રૂમ, મુસાફરો માટે શૌચાલય, વિકલાંગ માટે રેમ્પ સહિતની પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, તેમજ સમગ્ર બસ સ્ટેશન સરર્ક્યુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રાઇ. મીક્ષ ફ્લોરિંગ કરવામાં આવ્યું હોવાનું એસ.ટી. વિભાગીય નિયામક શ્રી જે.બી. કલોતરાએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીના હસ્તે લોધિકા તાલુકામાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અલ્પાબેન તોગડીયા, જિલ્લાપંચાયતના પ્રમુખશ્રી મોહનભાઈ દાફડા, સરપંચશ્રી મનીષાબેન ટિલાળા, અગ્રણીશ્રી પ્રકાશભાઈ વીરડા, શ્રી જગદીશભાઈ ટીલાળા, શ્રી મુકેશભાઈ કમાણી, મામલતદાર શ્રી છાંટબાર, શ્રી ગુમાનસિંહ જાડેજા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વાણવી, લોધિકા તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતીબેન બોરીચા સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.