ચંદી પડવાએ માવાઘારી આરોગવાની પરંપરા: ભરૂચમાં માવાઘારી બનાવવા શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા પુરજોશમાં ચાલતી તૈયારીઓ
સમીર પટેલ, ભરૂચ
સમાજના 60થી વધુ લોકો છેલ્લા એક મહિનાથી બનાવી રહ્યા છે માવાધારી
રૂ.660ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું થતું વેંચાણ
ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાના દિવસે લોકો લાખો રૂપિયાની માવાઘારી અને ફરસાણ આરોગી પર્વની ઉજવણી કરવાની પરંપરા રહેલી છે. જે માટેની શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અને સમાજના જ લોકો ઘારી બનાવવામાં જોતરાય ગયા છે મોટા પ્રમાણમાં ઘારી નું ઉત્પાદન કરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સપ્લાય કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે
ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ વાનગી આરોગવાની અનોખી પરંપરા રહી છે જેના પગલે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંદી પડવાના દિવસે માવાઘારી, માવાનાં ફૂલ, ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહીમા હોય છે. એક સમયે સુરતની ઘારીની માંગ જોવા મળતી હતી. પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવાઘારીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. ભરૂચ શહેરમાં દસ પંદર દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડર નોંધાવા લાગે છે અને તે માટેની તૈયારી પણ શરૂ થઈ જતી હોય છે. સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે રાણા સમાજે પોતાની સમાજ સેવાથી સમાજમાં આગવું સ્થાન જમાવ્યું છે. ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવેલ શ્રી ફાટાતળાવ રાણા પંચે આજથી ૪૭ વર્ષ પહેલાં ૪૦ કિલો ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો અને હાલમાં હજારો કિલો માવાઘારી બનાવવામાં આવે છે. જેમાં સમાજના લોકો સેવા આપે છે.
શ્રી ફાટાતળાવ રાણા પંચના પ્રમુખ સનત રાણા જણાવે છે કે શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા શહેરના શ્રી ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે માવાઘારી બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે. માવાઘારી બનાવવા માટે વપરાતા ઘી, ડ્રાયફ્રુટ વિગેરે સામગ્રીમાં ભાવમાં થયેલો વધારાના કારણે આ વર્ષે માત્ર કિલોએ ૨૦ રૂપિયાનો વધારો કરાયો છે શ્રી ફાટાતળાવ રાણા પંચ દ્વારા તૈયાર કરાતી માવાઘારીને લોકોએ પર્વનાં દિવસો પહેલાથી જીલ્લા બહાર રહેતા તેમના સ્વજનો, સંબંધીઓ તેમજ મિત્રોને મોકલી આપવા ખરીદારી કરતા હોય છે.
સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણરૂપ રાણા પંચની માવાઘારીની માંગ આખા ગુજરાતમાં છે. જે ઘારી ચંદી પડવાના દિવસે ભરૂચવાસીઓ સહિત વિદેશમાં વસતા પરિવારજનો પણ ઉત્સાહભેર આરોગે છે. આ માવાઘારી સાથે સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પણ જોડાયેલ હોઈ લોકો માટે માવાઘારી સ્વાદપ્રિય બની છે.
ભરૂચ શહેરમાં આ સિવાય અન્ય મીઠાઈ વિક્રેતાઓ પણ માવાઘારીના વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે. પરંતુ ઘણા સ્વાદ પ્રેમીઓ રાણા પંચની જ ઘારી આરોગવાનો આગ્રહ રાખતા હોય છે જેના પગલે રાણા સમાજ શુદ્ધ ઘીની ઘારી બનાવી મોટા પ્રમાણમાં ગ્રાહકોને પહોંચાડી રહ્યા છે અને આમ ભરૂચના ઉત્સવ પ્રિય લોકોમાં ચંદી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.