વિજાપુરના જૂના રણસીપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર ‘જનતા રેડ’, જાગૃત નાગરિકોની કાર્યવાહી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જૂના રણસીપુર ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ સામે આખરે ગ્રામજનોએ કડક વલણ અપનાવ્યું છે. તંત્રની ઢીલી નીતિથી કંટાળીને ગ્રામજનોએ સરપંચ અને જાગૃત નાગરિકોના નેતૃત્વ હેઠળ જાતે જ આ અડ્ડાઓ પર ‘જનતા રેડ’ કરી હતી અને તેને બંધ કરાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તાલુકા પંથકના ગામોમાં દેશી દારૂનું વેચાણ મોટા પાયે ચાલી રહ્યું છે. દારૂના દુષણને કારણે અનેક ગરીબ અને મજૂર પરિવારોના મોભીઓ દારૂના રવાડે ચડી ગયા છે, જેના લીધે આ પરિવારોનું જીવન દુષ્કર બની ગયું છે. સ્થાનિક પોલીસ દ્વારા અવારનવાર આ અડ્ડાઓ પર રેડ પાડીને એક-બે FIR નોંધવામાં આવે છે, તેમ છતાં વિસ્તારમાંથી દારૂના અડ્ડાઓ કાયમી ધોરણે બંધ થતા નથી. પોલીસની આ ‘દેખાડા’ પૂરતી કાર્યવાહીથી કંટાળીને જૂના રણસીપુરના સરપંચ અને ગામના જાગૃત નાગરિકોએ કાયમ માટે દારૂબંધી કરાવવાનો નિર્ણય લઈને ગ્રામજનોને એકજુથ કરીને દેશી દારૂના અડ્ડાઓ પર ધસી જઈને જનતા રેડ કરી તમામ અડ્ડાઓ બંધ કરાવ્યા હતા. આ જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે માત્ર દેશી જ નહીં, પરંતુ તાલુકા પંથક માં ચાલતા દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ પણ વહેલી તકે બંધ કરાવવામાં આવે, જેથી ગરીબ પરિવારો બરબાદ થતા અટકે. તેવી માગ સાથે દેશી દારૂના અડ્ડા ઓ ઉપર રેડ કરી હતી. ગ્રામજનોની આ સામૂહિક કાર્યવાહીએ ગેરકાયદેસર દારૂના વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ઊભો થવા પામ્યો છે.