નવસારી રેડક્રોસ સંસ્થા દ્વારા વાવાઝોડા થી અસરગ્રસ્ત ગામોમાં ૩૦૦ થી વધુ રાહત કીટ પહોંચાડવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદા તાલુકામાં આવેલા વાવાઝોડામાં અનેક ગામોમાં તારાજી સર્જી હતી, ઘણા પરિવારોના કાચા મકાન અને ઘરો ને મોટપાયે નુકસાન થયું છે ,લગભગ તમામ ઘરવખરીનો સામાન નાશ પામ્યો હતો ,ત્યારે નવસારી જિલ્લા રેડક્રોસ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્ય રેડક્રોસ શાખાના સહયોગથી વાવાઝોડામાં નુકશાન થયેલા પરિવારોને મદદરૂપ થવા ઘરે ઘરે પહોંચી છે જેમાં વાંસદા તાલુકા નું ઉનાઈ પાસે આવેલ સિંણધઈ ગામમાં ૧૩૬ થી વધુ પરિવાર, ચીખલી તાલુકાના કસ્બા ગામમાં ૪૩ થી વધુ પરિવારને, તલાવચોરા સામળા ફળિયામાં ૩૫ થી વધુ પરિવારો જ્યારે તલાવચોરા ગામમાં ૩૬ થી વધુ પરિવારો, બારોલીયા મંદિર ફળિયામાં ૩૩ પરિવારો અને ખૂંધ ગામમાં ૩૫ જેટલા પરિવારોને તેમના સ્થળે જઈ તાડપત્રી ,ચાદર ,ધાબળા ,ડોલ સાથે કિચન સેટ અને હાઈજીન કીટ,વગેરેપહોંચાડવામાં આવી હતી. કિચન સેટ માં થાળી ,ચમચા, તપેલા, કુકિંગ પોટ, ફ્રાય પેન, વાટકા વગેરે જેવારસોડાને લગતા તમામ વાસણો જ્યારે હાઈજીન કીટમાં લોકોની રોજબરોજની પ્રાથમિક વપરાશની વસ્તુ જેવીકે નાહવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સેનેટરી નેપકીન અને પેડ, સેવિંગ રેઝર વગેરે જેવા સામાન નો સમાવેશ થાય છે.
નવસારી જિલ્લા રેડક્રોસના માનદ મંત્રી ડો.ધર્મેશ કાપડિયા જણાવ્યું હતું કે હાલ ગુજરાત રાજ્ય શાખા તરફથી ૫૦૦ જેટલી કીટ મળેલ છે અને અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરી જરૂરીયાતમંદ સુધી જરૂરી સામગ્રી પહોંચાડી રહ્યા છે.ચેરમેન તુષારકાંત દેસાઈએ જણાવ્યુ હતું કે રેડક્રોસ નવસારીના સ્વયંસેવકો નવસારી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈપણ પ્રકારની હોનારત આવે છે તે સમયે અગ્રેસર રહી માનવતાની સેવા કરે છે જે બિરદાવવા યોગ્ય છે. આ રાહત કામગીરીમાં યુવા સ્વયંસેવકો તથા રાહત સામગ્રીના વિતરણમાં મદદ કરનાર તમામનું સહમંત્રી ડો. સંજય આહિરે આભાર માન્યો હતો.
રેડ ક્રોસ નો મુખ્ય હેતુ જ્યાં આફતનો આક્રંદ છે ત્યાં રેડક્રોસ, જ્યાં જરૂરિયાત મંદની પોકાર છે ત્યાં રેડ ક્રોસ આ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. વાંસદા તાલુકા માં વ્યવસ્થાપક સમિતિના સભ્ય નીલ નાયક આગેવાની હેઠળ વિપુલભાઈ દેસાઈ, ગૌરાંગભાઈ દેસાઈ, ભાવિનભાઈ દેસાઈ, મિતેશભાઈ દેસાઈ, ચિંતન દેસાઈ, યશ નાયક અને મનન દેસાઈ રાહત કામગીરી માં જોડાયા હતા, વાંસદા ના શ્રીપ્રદ્યુમનભાઈ વકીલ તથા શ્રી ધર્મેન્દ્રભાઈ સોલંકી એ ખૂબ જ મદદ કરી હતી. ચીખલી તાલુકામાં વ્યવસ્થાપક સમિતિના સભ્ય પ્રા. જશુભાઈ નાયક ની આગેવાની હેઠળ ડો. નરેશ ધાનાણી, ચીખલીના સામાજિક અગ્રણી વિનયભાઈ પટેલ, નિમેશભાઈ ચોકસી ,ઉર્વીશાબેન દેસાઈ ,નવસારી રેડક્રોસ ના કર્મચારીઓ ફીરદોશ મોટરવાલા, સમીર ખલીફા વિજયભાઈ વગેરે રાહત કામગીરી કરી હતી.