જિલ્લાની ગૌશાળા/પાંજરાપોળો માટે આર્થિક હિતલક્ષી નિર્ણય
5 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જિલ્લામાં રૂ.૨૪.૨૨ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરાઈ
જિલ્લાની કુલ ૨૧૭ ગૌશાળા/પાંજરાપોળના ૮૮,૭૨૯ પશુઓના નિભાવ માટે આર્થિક મદદ મળી રહેશે.બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ-૨૦૨૫-૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ. જે. દવે, જિલ્લા કક્ષાના પ્રતિનિધિશ્રી, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અને સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી જુન -૨૦૨૫ (પ્રથમ હપ્તો વર્ષ ૨૦૨૫-૨૬)માટે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સમય મર્યાદામાં કુલ ૨૨૬ સંસ્થાઓની અરજી મળેલ હતી. જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા કુલ ૨૧૭ સંસ્થાઓની અરજીઓ મંજુર કરી ચુકવણા અર્થે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જયારે ૯(નવ) સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પરિપૂર્ણ ન કરતી હોવાથી નામંજૂર કરવામાં આવેલ હતી. આમ કુલ ૨૧૭ સંસ્થાઓના ૮૮,૭૨૯ પશુઓ માટે કુલ રૂ.૨૪.૨૨ કરોડ રૂપિયાની સહાય મંજુર કરી ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. જીલ્લાની ગૌશાળા-પાંજરાપોળને પશુઓના નિભાવ માટે ચોવીસ કરોડ અને બાવીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમની સહાય મંજુર કરવાથી ગૌશાળા/પાંજરાપોળોને આર્થિક મદદ મળી રહેશે.