વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ ડાંગ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ ટીમને સુબિર તાલુકાના અંતરિયાળ નિશાણા ગામનો એક કેસ મળ્યો હતો. તુરંત જ, 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ધોરણે પ્રસૂતાના ઘરે પહોંચી અને મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે રવાના થઈ હતી.હોસ્પિટલ જવાના રસ્તામાં મોખામાળ ગામ નજીક, 26 વર્ષીય માંગુબેન આશિષભાઈ પવારને ડિલિવરીની પીડા અચાનક વધી ગઈ હતી. આ સમયે, ઈ.એમ.ટી. (ઈમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન) જીજ્ઞાશાબેન એસ. બાગુલ અને પાયલોટ મનોજભાઈ શિવરામભાઈ ચૌહાણ દ્વારા સમયસૂચકતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.માતા અને બાળકના જીવને જોખમમાં હોવાથી, જીજ્ઞાશાબેન અને મનોજભાઈએ એમ્બ્યુલન્સને રસ્તાની બાજુએ ઊભી રાખીને ડિલિવરી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. ડિલિવરી દરમિયાન બાળકના ગળામાં ગર્ભનાળ (નાળ) વીંટળાયેલી હતી. જોકે, 108 એમ્બ્યુલન્સની ટીમે સફળ પ્રસુતિ કરાવીને માતા અને બાળક બંનેને જીવનાં જોખમમાંથી બચાવ્યા હતા.આ સમયે, અમદાવાદ હેડ ઓફિસના ડોક્ટર નીલના માર્ગદર્શનથી માતાને જરૂરી ઈન્જેક્શન અને દવાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ, વધુ પ્રાથમિક સારવાર અર્થે માતા અને બાળકને નજીકની સીએચસી (સામુહિક આરોગ્ય કેન્દ્ર) સુબિર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.મહિલાના પરિવારે 108 એમ્બ્યુલન્સ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ, 108 ના ઈએમઈ (એમર્જન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ) વિજય ગામીત અને પીએમ (પ્રોજેક્ટ મેનેજર) હેમંત સોલંકી દ્વારા 108 એમ્બ્યુલન્સની ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.