સોનમ વાંગચૂકે લેહમાં થયેલી હિંસામાં 4 લોકોના મોતને લઈને સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી
ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને ઈનોવેટર સોનમ વાંગચૂકે લેહમાં થયેલી હિંસામાં 4 લોકોના મોતને લઈને સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી છે. રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માંગ સાથે 24 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એ પછી તેમણે લદ્દાખીઓને શાંતિ અને એકતા જાળવવા અને અહિંસક, ગાંધી ચિંધ્યા માર્ગે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવા વિનંતી કરી હતી. આ મેસેજ તેમણે તેમના ભાઈ, ત્સેતન દોરજે લે અને વકીલ મુસ્તફા હાજી દ્વારા આપ્યો હતો, જેઓ શનિવારે જોધપુર સેન્ટ્રલ જેલમાં તેમની મુલાકાતે આવ્યા હતા.
સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, ‘જ્યા સુધી સ્વતંત્ર તપાસનો આદેશ ન મળે, ત્યાં સુધી હું જેલમાં રહેવા તૈયાર છું.’ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા વાંગચુકે લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની છઠ્ઠી અનુસૂચિ અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘એપેક્સ બોડી લદ્દાખના હિતમાં જે પણ પગલાં લે છે, હું તેમને પૂરા દિલથી સમર્થન આપું છું.’
નાગરિકોને સંબોધન કરતાં એક પત્રમાં તેમણે લખ્યું છે કે, ‘હું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છું. દરેકની ચિંતા અને પ્રાર્થનાઓ માટે હું આભાર માનું છું. જે લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. જેઓ ઘાયલ થયા છે અથવા કસ્ટડીમાં છે તેમના માટે હું પ્રાર્થના કરું છું.’
લેહ એપેક્સ બોડી અને કેડીએએ ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે 6 ઓક્ટોબરે યોજાનારી વાટાઘાટોમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. બંને સંગઠનોએ ચાર લોકોના મૃત્યુની ન્યાયિક તપાસ અને વાંગચુક સહિત અટકાયતમાં લેવાયેલા તમામ લોકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગ કરી છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટ સોમવારે સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે, જેમાં NSA હેઠળ ક્લાઈમેટ એક્ટિવિસ્ટની અટકાયતને પડકારવામાં આવી છે અને તેમની તાત્કાલિક મુક્તિની વિનંતી કરવામાં આવી છે.
કોર્ટની 6 ઓક્ટોબરના કેસ યાદી પ્રમાણે અરજી ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એનવી અંજારિયાની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવશે. વરિષ્ઠ વકીલ વિવેક તન્ખા અને વકીલ સર્વમ રીતમ ખરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં અંગ્મોએ વાંગચુક સામે NSA લાદવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે.