સુરત-ભરૂચ જનારા માટે દિવાળી પહેલાં NHAIની ખુશખબર:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો પોર્શન ડિસેમ્બર સુધી શરૂ થશે, અંકલેશ્વરના પુનગામ પાસે એન્ટ્રી-એક્ઝિટ
સમીર પટેલ, ભરૂચ
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. એમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોને કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી, જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં દિવાળી પહેલાં NHAIની ખુશખબર આપી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો પોર્શન ડિસેમ્બર સુધી શરૂ થશે. અંકલેશ્વરના ધારાસભ્યે કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડતરીને પત્ર લખ્યો હતો, જેમાં કનેક્ટિવિટી માટે રજૂઆત કરી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી છે, જેના પગલે સેંકડો વાહનચાલકોને રાહત થશે. NHAIના અધ્યક્ષ સંતોષ કુમાર યાદવે 6 ઑક્ટોબરે કરેલી સાઇટ વિઝિટ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી. આ અંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડકરીને પણ પત્ર લખવામાં આવ્યો હતો. એમાં કનેક્ટિવિટી માટે રજૂઆત કરવામાં આવી હતી. એ બાદ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ઇશ્વરસિંહ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે NHAIના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતમાં અનેક વાહનચાલકોને ફાયદો થશે. ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યાર બાદ પુનગામ નજીક આપવામાં આવેલી એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર- હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ છે. એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતાં વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે. હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે, જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિ મહદંશે કાબૂમાં આવશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટની જાહેરાત કરવામાં આવી છે. આ કેટલો મહત્ત્વપૂર્ણ નિર્ણય છે? આ મુદ્દે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે અત્યારે દેગામ પાસે એન્ટ્રી આપેલી હતી. એ દેગામથી ભરૂચ, ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી દોઢ કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું. આ એન્ટ્રી મળવાને કારણે આમ અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા આ ત્રણ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે, એને પણ અહીં કનેક્ટિવિટી મળશે અને સુરત વિસ્તારના જે ઓલપાડ, અડાજણ વિસ્તારના જે લોકો આવા-જવા માટે તેમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખોએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેટર લખ્યો હતો, નેશનલ હાઇવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પત્ર લખ્યો હતો, રીજનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ કાગળ લખ્યો હતો અને માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ કાગળ લખ્યો હતો. એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે. હાંસોટથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોટ અને હાંસોટથી સહોલ એ રસ્તાની પણ ફોર લેન માટે દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે, જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગની સાથે પણ નેશનલ હાઈવે ચાર જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાની છે એ દાંડી માર્ગ પર લાગે છે. એટલે દાંડી માર્ગને પણ આ હાંસોટ, અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાને કારણે તેમના સમયનો પણ બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે.