વેજપુર, ડેસર (વડોદરા): વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર આંગણવાડી કેન્દ્ર ખાતે ગુજરાત સરકારના આયોજન મુજબ પોષણ માસ અને પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ મંગળવાર નિમિત્તે કૃપોષિત સંવાદદિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્ર વેજપુર ખાતે તા. ૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ આયોજિત આ જાગૃતિ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર સભાનું સંચાલન આંગણવાડી કાર્યકર રેણુકાબેન બી. પરમાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે ગામના સરપંચ શ્રી જયદીપસિંહ ચૌહાણ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, ગામના સભ્યશ્રી, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકર, તેડાગર, વાલીઓ, સગર્ભા માતાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
* આંગણવાડી કાર્યકર રેણુકાબેન બી. પરમારએ ઉપસ્થિત સૌને પોષણનું મહત્વ અને સમતોલ આહાર અંગે વિસ્તૃત સમજણ આપી હતી.
* આરોગ્ય કેન્દ્રના M.P.W. રૈયાઝ શેખ દ્વારા કૃપોષિત બાળકોના પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
* આજરોજ ગ્રોથ ચાર્ટ (વિકાસ ચાર્ટ) વિશે માહિતી આપવામાં આવી, જેમાં બાળકોનું વજન તેમની ઉંમર અને ઊંચાઈ અનુસાર કેટલું હોવું જોઈએ તે સમજાવવામાં આવ્યું. ખાસ કરીને ગ્રોથ ચાર્ટમાં રહેલા વિવિધ કલર કોડ વિશે જાણકારી આપવામાં આવી:
* પીળા કલર કોડ: મધ્યમ કૃપોષિત બાળકોનો સમાવેશ.
* લાલ કલર કોડ: અતિ ગંભીર કૃપોષિત બાળકોનો સમાવેશ.
* કાર્યકરોએ વાલીઓને બાળકોને બાલ શક્તિ આહારનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તેમનું વજન પીળા કલર કોડમાંથી બહાર લાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કૃપોષિત બાળકોને ‘કૃપોષિત ટોકરી’ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સગર્ભા માતાઓને શ્રીમંત વિધિ કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે રેણુકાબેન બી. પરમાર દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
અહેવાલ ચિરાગ ભાઈ પરમાર..વેજપુર ડેસર