NANDODNARMADA

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી સંદર્ભે એકતા નગરને 7.6 કિમીમાં ગ્લો ટનલ તેમજ અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજાવાશે 

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી સંદર્ભે એકતા નગરને 7.6 કિમીમાં ગ્લો ટનલ તેમજ અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજાવાશે

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

એકતા નગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન તા.20 ઓક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે. એકતા નગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતાનગરમાં અદભૂત લાઈટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દિપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવતઃ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળાહળ ઉજવણી કરાશે. જેમાં કુલ 7.6 કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાશે.

એકતા નગર ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ભાગરૂપે પૂર્વે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વનું આયોજન આગામી તારીખ 17મી ઓક્ટોબર-2025થી 15 નવેમ્બર -2025 દરમિયાન થનાર છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવું અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળશે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતાનગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવશે.

 

આ માટે સમગ્ર એકતાનગર ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 7 કિમીના વિસ્તારમાં લાઈટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવશે, આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દમિયાન ખાસ ડિઝાઈન કરવામાં આવેલ ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેને ડેમ વ્યૂ-પોઈન્ટ 1 ખાતેથી નિહાળી શકાશે. આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બની રહેશે. જે લોકો રાત્રિ રોકાણ કરે છે તેમને દિવસ અને રાતનો નજારો અદભૂત રીતે માણી શકે છે.

 

ભાગ-2માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને 13 અલગ-અલગ ભાગમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિક સેલ્ફિ પોઈન્ટ/ફોટો બૂથ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે.

 

આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વૉક-વેને 7 અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ હશે.

 

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમીત અરોરાએ જણાવ્યું હતું કે, દેશના લોખંડી પુરૂષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ તેમજ દીપોત્સવી પર્વ દરમિયાન પ્રવાસીઓને એક અનોખી યાદગીરી એકતા નગરના પ્રવાસ દરમિયાન મળે તે માટે ભારત દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ અને વહીવટી સંચાલકશ્રી તેમજ ચેરમેનશ્રી – સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુકેશ પુરીના માર્ગદર્શનમાં SSNNL અને SoU વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સઘન-સૂચારૂ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતવાસીઓને આ સમય દરમિયાન એકતા નગરના પ્રવાસનું આયોજન કરી જીવનભરની યાદગીરી મેળવવા માટે પધારવા અપીલ છે. અહીં આવતા પ્રવાસીઓ મોબાઈલ સેલ્ફી, વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને સરદાર સાહેબનો સંદેશો તેમજ વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જન જન સુધી પહોંચાડવામાં વધુ એક બળ મળશે.

Back to top button
error: Content is protected !!