MORBI મોરબીનો યુવાન રશિયા માટે યુદ્ધમાં લડ્યા બાદ યુક્રેન સેના સામે આત્મસમર્પણ કર્યું
MORBI મોરબીનો યુવાન રશિયા માટે યુદ્ધમાં લડ્યા બાદ યુક્રેન સેના સામે આત્મસમર્પણ કર્યું
મોરબીના એક 22 વર્ષીય યુવક મજોટી સાહીલ મોહમ્મદ હુસૈનને પકડ્યો હોવાનો દાવો કર્યો છે. યુક્રેનની 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડે સાહીલનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તે દાવો કરી રહ્યો છે કે તે રશિયન જેલની સાત વર્ષની સજાથી બચવા માટે સેનામાં જોડાયો હતો.યુક્રેનની સેનાના જણાવ્યા અનુસાર, મજોટી સાહીલ મોહમ્મદ હુસૈન મૂળ ગુજરાતના મોરબીનો રહેવાસી છે. તે સ્ટુડન્ટ વિઝા પર રશિયા ગયો હતો. ત્યાં તે ડ્રગ્સ સંબંધિત કેસમાં ફસાયો હતો અને તેને સાત વર્ષની જેલની સજા થઈ હતી. જેલની સજામાંથી મુક્તિ મેળવવા માટે તેને રશિયન સેનામાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. વીડિયોમાં સાહીલે દાવો કર્યો છે કે તેણે જેલમાં રહેવાને બદલે ‘ખાસ લશ્કરી ઓપરેશન’ (યુક્રેન પર રશિયાના આક્રમણ માટેનો રશિયન શબ્દ) માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ તે ખરેખર લડવા માંગતો ન હતો. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુવકના પરિવારજનો હાલમાં આ ઘટના વિશે કશું બોલવા તૈયાર નથી.
માહિતી મુજબ, સાહીલ મોહમ્મદ હુસૈનને 16 દિવસની તાલીમ આપવામાં આવી હતી. 1 ઓક્ટોબરના રોજ તેને ફ્રન્ટલાઈન પર મોકલવામાં આવ્યો, જ્યાં તે માત્ર ત્રણ દિવસ લડ્યો. તેણે જણાવ્યું કે કમાન્ડર સાથેના વિવાદ પછી તે યુક્રેનની એક ટ્રેન્ચ (Trench) પાસે પહોંચ્યો અને તરત જ પોતાની રાઇફલ નીચે મૂકી દીધી અને યુક્રેનીયન સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. સાહીલે યુક્રેનની સેનાને જણાવ્યું કે તે લડવા માંગતો નહોતો અને તેને મદદની જરૂર હતી. તેણે એવું પણ કહ્યું કે તે રશિયા પાછો જવા માંગતો નથી અને તેના બદલે યુક્રેનમાં જેલમાં રહેવાનું પસંદ કરશે. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે તેને રશિયન આર્મીમાં જોડાવા બદલ વચન આપેલું નાણાકીય વળતર ક્યારેય મળ્યું નથી.યુક્રેનની સેના દ્વારા વીડિયો જાહેર થયા બાદ ભારત સરકારે આ ઘટનાની નોંધ લીધી છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે, ભારતીય મિશન કીયેવ (યુક્રેનની રાજધાની) માં આ અહેવાલોની સત્યતા ચકાસી રહ્યું છે. યુક્રેન તરફથી આ અંગે કોઈ સત્તાવાર સંદેશાવ્યવહાર મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ભારતે અગાઉ પણ રશિયન સૈન્યમાં ભારતીય નાગરિકોની ભરતી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને મોસ્કોને ભારતીયોને મુક્ત કરવા અને પાછા મોકલવા વિનંતી કરી છે.