રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરામાં ભાવિકોએ ધર્મોલ્લાસ સાથે આસો માસની ‘નવપદજીની ઓળી’ની કરી આરાધના
મુંદરા, તા. 8 : શ્રી મુંદરા ગુ.વિ.ઓ જૈન જ્ઞાતિ સમાજ સંચાલિત શ્રી રંભાબેન શીવજી જૈન આયંબિલ શાળા ખાતે ધર્મ અને તપના પાવનકારી માહોલમાં આસો માસની નવપદજીની ઓળીની ભવ્ય આરાધના સંપન્ન થઈ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થવંદન વિજયજી મ.સા. આદી ઠાણા ૩ અને ૫. પૂ. સાધ્વીજી શ્રી ચારુપ્રસન્નાશ્રીજી મ.સા. ઠાણા ૩ ની પાવન નિશ્રામાં ૩૧થી વધારે ભાવિકોએ નવ દિવસ સુધી આ કઠોર તપમાં ઉત્સાહભેર ભાગ લીધો.
આ નવ દિવસની આરાધના દરમિયાન કુલ ૪૦૦ જેટલા આયંબિલ તપ થયા હતા, જે ભાવિકોની ધર્મ પ્રત્યેની અતુટ શ્રદ્ધા દર્શાવે છે. આસો માસની ઓળીના લાભાર્થી તરીકે શ્રી કુસુમબેન અરુણભાઈ સંઘવી (અમદાવાદ) અને શ્રી પ્રવિણાબેન રમેશભાઈ શાહ (અમદાવાદ) રહ્યા હતા.
જૈન ધર્મમાં આયંબિલ તપનો વિશેષ મહિમા છે. આ તપમાં નવ દિવસ સુધી ઘી, તેલ, દૂધ, મરચા-મસાલા તેમજ લીલોતરી કોઈપણ જાતના પ્રમાદ વગરનો આહાર દિવસમાં માત્ર એક જ વખત લેવાનો હોય છે. આયંબિલ શાળામાં આરાધકો સવારના સમયે શ્રીપાળ રાજાનો રાસ અને પ્રવચનનો લાભ લઈ ધર્મભાવનાને વધુ દૃઢ કરી હતી. ઓળીના છેલ્લા દિવસે ભક્તિભાવ પૂર્વક નવપદજીની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ દર્શન સંઘવીની આગેવાની હેઠળ સંકેત સંઘવી, નંદિનીબેન ગાંધી, રમીલાબેન શાહ તેમજ ભરત મહેતાએ ભારે જહેમત ઉઠાવી હતી.
તપની પૂર્ણાહુતિ બાદ ૮મી ઓક્ટોબરના રોજ સામૂહિક પારણાં યોજાયા હતા. આ પારણાંમાં દર્શન સંઘવી, હાર્દિક સંઘવી, સંકેત સંઘવી, રુષભ સંઘવી તથા ભવદીપભાઈ મહેતાએ ઉત્તમ સેવા આપી હતી. આ માહિતી તપગચ્છ સંઘના યુવા સહમંત્રીશ્રી વિનોદભાઈ મહેતાએ આપી હતી. ભાવિકોએ ધર્મ-તપની આરાધના દ્વારા પોતાના જીવનને પાવન કરી ધન્યતા અનુભવી હતી.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com