વિકાસ સપ્તાહ 2025 : પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે ‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો સફળ પ્રારંભ રેડક્રોસ અને માહિતી ખાતાનો સંયુક્ત ઉપક્રમ રાજ્યવ્યાપી સ્તરે પત્રકારોના આરોગ્ય પ્રત્યે જાગૃતિનો અનોખો પ્રયત્ન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : વિકાસ સપ્તાહ 2025ના અવસરે પત્રકારોના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં “ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા” આરોગ્ય તપાસ અભિયાનનો પ્રારંભ અમદાવાદથી કરવામાં આવ્યો છે. માહિતી વિભાગ અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનને આ વર્ષે સતત બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલ આ અનોખા ઉપક્રમે રાજ્યના પત્રકારો માટે આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શનની અનોખી સુવિધા પૂરી પાડી છે. આ વર્ષે પણ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં તબક્કાવાર રીતે આ અભિયાન યોજાશે, જેમાં પત્રકારો માટે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ, આંખો અને ફેફસાં જેવી તપાસો તેમજ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના ચેરમેન અજય પટેલે જણાવ્યું કે આ સેવા કાર્ય માત્ર આરોગ્ય ચકાસણી પૂરતું નહીં, પરંતુ પત્રકારો વચ્ચે સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે “પત્રકારો સમાજના અરીસાની ભૂમિકા ભજવે છે. તેમના આરોગ્યનું રક્ષણ એ સમાજના આરોગ્યનું રક્ષણ સમાન છે.” તેમણે વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં જરૂર પડે તો તજજ્ઞ ડોક્ટરોની સેવા સાથે વિશિષ્ટ આરોગ્ય તપાસ કેમ્પ પણ યોજાશે.
ગત વર્ષે આ અભિયાન અંતર્ગત રાજ્યભરના 2,200 જેટલા પત્રકારોએ આરોગ્ય ચકાસણી માટે નોંધણી કરાવી હતી. તેમાંના 264 પત્રકારોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ જણાઈ હતી અને આશરે 44 પત્રકારોને ગંભીર બીમારીને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ આંકડા પોતે જ અભિયાનની અસરકારકતા અને આવશ્યકતા દર્શાવે છે.
માહિતી નિયામક કે.એલ. બચાણીએ જણાવ્યું કે માહિતી ખાતા અને રેડક્રોસ વચ્ચે થયેલો એમઓયુ કદાચ દેશનો પ્રથમ એવો ઉપક્રમ છે, જેમાં સરકારની માહિતી સંસ્થા અને માનવતાવાદી સંસ્થા મળીને પત્રકારો માટે આરોગ્ય તપાસની વ્યવસ્થા કરે છે. તેમણે ઉમેર્યું કે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત ‘ફિટ ઈન્ડિયા’ અભિયાનને વધુ સક્રિય બનાવે છે અને પત્રકાર વર્ગને તેમાં જોડે છે.
બચાણીએ રેડક્રોસના ઐતિહાસિક કાર્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રેડક્રોસની સ્થાપના માનવસેવાના હેતુથી હેનરી ડ્યુનાન્ટની વિચારસરણી પરથી થઈ હતી. આજે આ સંસ્થા કુદરતી આફતોમાં રાહત કાર્યથી લઈને આરોગ્ય સેવા સુધી મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત રેડક્રોસ દ્વારા પત્રકારોની આરોગ્ય તપાસ માટે આગળ આવવું એ એના માનવતાવાદી મૂલ્યોનું જીવંત ઉદાહરણ છે.
રેડક્રોસ ગુજરાતના જનરલ સેક્રેટરી પ્રકાશ પરમારે આ પ્રસંગે રેડક્રોસની વિવિધ આરોગ્ય અને માનવ સેવા પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને માહિતી ખાતા સાથેના આ સહયોગને “સેવા અને સચોટ માહિતીના સંગમ” તરીકે અભિપ્રેત કર્યો.
કાર્યક્રમમાં અધિક માહિતી નિયામક અરવિંદ પટેલ, વરિષ્ઠ પત્રકારો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાન માત્ર આરોગ્ય તપાસ પૂરતું નથી, પરંતુ પત્રકારોને તેમની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે સ્વસ્થ રહેવા પ્રેરિત કરતું એક જાગૃતિ આંદોલન છે. આ પહેલ દ્વારા ગુજરાતે પત્રકારોની તંદુરસ્તી અને સમર્પિત સેવાઓ પ્રત્યે કાળજી લેવાનો અનોખો સંદેશ આપ્યો છે.