ઘર આંગણે જ સપના સાકાર – ચીકદા તાલુકાના દીક્ષિત વસાવાની પ્રેરણાદાયક સફળતા,
વાતાસ્યમ સમાચાર
જેસિંગ વસાવા : દેડિયાપાડા
કેટલાક સપનાઓ દૂર શહેરોમાં સાકાર થાય છે, પરંતુ કેટલાક સપનાઓ પોતાનાં ઘરઆંગણે જ ઉજળા થાય છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અને તાજેતરમાં નવનિર્મિત ચિકદા તાલુકાના કમોદવાવ ગામના યુવા દીક્ષિતકુમાર હિરાલાલ વસાવાની સફળતાની કથા પણ કંઈક એવી જ આત્મવિશ્વાસ, પ્રયત્ન અને યોગ્ય માર્ગદર્શનની પ્રેરણાદાયક વાર્તા રહી છે.
દીક્ષિત વસાવાએ સુરતની AIICGS કોલેજમાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ બાદ તેઓ રોજગારની શોધમાં શહેરોમાં ફરતા રહ્યા. પરંતુ મનના ખૂણે હંમેશાં એક જ ઈચ્છા જીવંત હતી કે, “શું મારા વતનની ધરતી પર પણ મારી નોકરી મળી શકે?”
રોજગારીની આ આશાને સાકાર રૂપ આપવા માટે નર્મદા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કર્યો અને પોતાની લાયકાત મુજબ નોંધણી કરાવી. થોડા જ સમયમાં રોજગાર કચેરી દ્વારા તેમને પોતાના ઘર નજીક વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના યુનિટ-3 ખાતે સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી મળતા દીક્ષિત વસાવાના ચહેરા પર અદમ્ય ખુશી છવાઈ ગઈ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના યુવાનો માટે હવે માત્ર ગૌરવનું પ્રતિક નહીં, પણ ઘરઆંગણે રોજગારીનું જીવંત સ્ત્રોત બની રહ્યું છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન અનેક યુવાનોના જીવનમાં નવી દિશા ફૂંકી રહ્યું છે.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઉજવાતી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજપીપળા સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા “યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ”માં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભિમસિંહ તડવીના હસ્તે દીક્ષિત વસાવાને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
રોજગાર પત્ર હાથમાં લેતા દીક્ષિતની આંખોમાં સંતોષના આંસુ ઝળહળાયા અને ગર્વભેર તેઓએ જણાવ્યું કે, “શહેરોમાં જઈ નોકરી શોધવાની જગ્યાએ, રોજગાર કચેરીના માર્ગદર્શનથી હું મારી વતનમાં જ રોજગાર મેળવી શક્યો છું. દરેક યુવાને રોજગાર કચેરીમાં નોંધણી કરાવી લેવી જોઈએ, કારણ કે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો રોજગાર આપણા ગામે જ મળી શકે.”
નર્મદા જિલ્લાના અનેક ગ્રામ્ય યુવાનો માટે દીક્ષિત વસાવાની આ સફર “સપના મોટા જુઓ, પણ તેમને સાકાર કરવા માટે પોતાના ગામને છોડવાની જરૂર નથી” તે
વો સંદેશ આપે છે.