Rajkot: વિકાસ સપ્તાહઃ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણીની ઉપસ્થિતિમાં રાજકોટના સણોસરામાં રાત્રિસભા યોજાઈઃ ૧૩.૭૫ લાખના વિકાસકામોનાં લોકાર્પણ થયાં
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
‘‘વિકાસ રથ’’માં ૫૦૦ જેટલા નાગરિકોએ ગુજરાતની સિદ્ધિઓ નિહાળીઃ સરકાર ઘર આંગણે પધાર્યાનો ભાવ નાગરિકોએ વ્યક્ત કર્યો
Rajkot: સમગ્ર રાજ્યની સાથે રાજકોટ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ-૨૦૨૫’ની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, ‘વિકાસ રથ’ ગામડે ગામડે જઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં રાજ્યમાં થયેલા સ્વર્ણિમ વિકાસની સિદ્ધિઓની ગાથા છેવાડાના લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આ સાથે ‘સેવાસેતુ’ કાર્યક્રમથી લાભાન્વિત થયેલા નાગરિકો ‘સરકાર ઘર-આંગણે પધાર્યા’નો અહેસાસ કરી રહ્યા છે. ગતરોજ રાતે “વિકાસ સપ્તાહ” અન્વયે સણોસરા ગામમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. જેમાં ૫૦૦ જેટલા લોકો જોડાયા હતા.
ગત રાતે ‘વિકાસ રથ’ સણોસરામાં આવતાં જ મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા. ગુજરાતના વિકાસકાર્યોની ઝાંખી નિહાળીને નાગરિકોને ગૌરવની લાગણી થઈ હતી. આ અવસરે મહાનુભાવોના હસ્તે ગામમાં રૂ. ૧૩.૭૫ લાખના ખર્ચે થયેલા ૧૩ જેટલાં વિકાસકામોનાં લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
આ સાથે અહીં સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, આવકના દાખલા સહિતની સેવાઓનો લાભ અનેક નાગરિકોએ મેળવ્યો હતો. અહીં મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં વિનામૂલ્યે તપાસ કરીને નાગરિકોને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીએ રાત્રિ સભામાં ગ્રામજનોને સંબોધતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં રાજ્ય અને દેશનો સ્વર્ણિમ વિકાસ થયો છે. શ્રી નરેન્દ્રભાઈએ જી.એસ.ટી.ના દર ઘટાડીને બચતોત્સવ શરૂ કરાવ્યો છે. ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં ખૂબ ઝડપથી વિકસતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે શ્રી નરેન્દ્રભાઈ વિકાસ સપ્તાહ અને સેવાસેતુના માધ્યમથી સરકારને જ નાગરિકોના ઘર આંગણે લાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા લોકોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચેતનભાઈ કથિરીયા, સણોસરા સરપંચ શ્રી નફીસાબેન સેરસીયા, રાજકોટ મામલતદાર શ્રી કિર્તીકુમાર મકવાણા, તાલુકા વિકાસ અધિકારી શ્રી વનરાજસિંહ ચૌહાણ, વિસ્તરણ અધિકારી શ્રી શરદભાઈ મહેતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.