આણંદમાં 1042 યુવાઓને રોજગાર પત્ર અપાયા
આણંદમાં 1042 યુવાઓને રોજગાર પત્ર અપાયા
તાહિર મેમણ – આણંદ – 08/10/2025 – આણંદમાં 1042 યુવાઓને રોજગાર પત્ર અપાયા:જિલ્લા કક્ષાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં રોજગાર પત્ર એનાયત
આણંદ ટાઉન હોલ ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં 1042 યુવાઓને રોજગાર પત્ર અને એપ્રેન્ટીસ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને યુવાઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ 7 ઓક્ટોબર, 2001ના દિવસને ભારતના રાજકારણના ઇતિહાસમાં ક્રાંતિનો દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ દિવસે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમના શાસનકાળ દરમિયાન ગુજરાત સર્વાંગીણ વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધ્યું, અને 2001 થી 2014 સુધીનો સમયગાળો રાજ્ય માટે અભૂતપૂર્વ પરિવર્તનનો રહ્યો. આ સમયગાળામાં જનશક્તિ, જળશક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ અને રક્ષા શક્તિ તરીકે પંચામૃતના દર્શન થયા.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના શપથને 24 વર્ષ પૂર્ણ થયા છે. તેમની દૂરંદેશી દ્રષ્ટિ અને સર્વગ્રાહી વિકાસની પરિકલ્પનાઓએ વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સુશાસન, ઈ-ગવર્નન્સ, શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ અને ખેલ મહાકુંભ જેવી અનેક પહેલ તેમના સુશાસન મોડેલનો ભાગ છે.