Rajkot: “વિકાસ સપ્તાહ” નિમિત્તે આણંદપર ગામમાં ૩૦૦થી વધુ લોકોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
આણંદપરમાં “વિકાસ રથ”નું ઉમળકાભેર સ્વાગત, રૂ. ૬૨ લાખના વિકાસકામોના લોકાર્પણ કરાયાં
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં “વિકાસ સપ્તાહ”નો આરંભ થયો છે, ત્યારે આજે રાજકોટ તાલુકાના આણંદપર ગામમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં રૂ. ૬૨ લાખના ખર્ચે થયેલાં ૧૧ જેટલા વિકાસકામોનું આજે મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સેવાસેતુ કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. ગામમાં ૩૧૦થી વધુ લોકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.
“વિકાસ સપ્તાહ” અંતર્ગત આજે “વિકાસ રથ” આણંદપર ગામમાં આવી પહોંચતાં રથનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૪ વર્ષના સુદીર્ઘ શાસનકાળમાં ગુજરાત રાજ્યે મેળવેલી સિદ્ધિઓની ઝાંખી ફિલ્મના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. જેને નાગરિકોએ નિહાળી હતી.
આ અવસરે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગ દ્વારા રખાયેલા સ્ટોલ દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, આવકના દાખલા સહિતની સેવાઓનો લાભ અનેક નાગરિકોએ મેળવ્યો હતો. અહીં મેડિકલ કેમ્પમાં લોકોને ડાયાબિટીસ, બી.પી.ની પણ વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવી હતી. ઉપરાંત જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. ગામના લોકોને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ ડાભી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી નીતાબહેન સોલંકી, શ્રી જયોત્સનાબેન રાજુભાઈ ઝાપડીયા, સરપંચ શ્રી લાલજીભાઈ સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી જે.જે. પોપટ, આઈ.સી.ડી.એસ.ના શ્રી પ્રફુલાબેન, વિસ્તરણ અધિકારી શ્રી શરદભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.