Rajkot: “વિકાસ સપ્તાહ” જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો
તા. 8/10/2025
વાત્સલયમ્ સમાચાર
વર્ષ દરમિયાન ૭૨૧ રોજગાર એનાયત પત્રો અને ૭૦૧ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર અપાયા-૬ એમ. ઓ.યુ. કરાયા
મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે “વિકાસ સપ્તાહ” અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ભવિષ્યને આકાર આપવા અને યુવા વર્ગને રોજગાર પુરો પાડવા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. યુવાઓ રાષ્ટ્રીય વિકાસમા યોગદાન આપે અને આત્મનિર્ભર બને તે માટે ભરતી મેળાઓ, તાલીમ, સેમિનાર વગેરેનું આયોજન કરવામાં આવે છે. દેશના શ્રમિકો, કારીગરો, કલાકારોને યોગ્ય રોજગારી મળી રહે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” સંકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશના લોકો દેશમાં બનનારી ચીજ વસ્તુઓ ખરીદે અને ઉપયોગ કરે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.
કલેક્ટર શ્રી ઓમ પ્રકાશે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૧૪ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ૦૩ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને ૦૧ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થા છે. જેમાં વિવિધ સેક્ટરના આશરે ૪૮ પ્રકારના કોર્ષ ચાલે છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૩૬ ભરતી મેળામાં કુલ ૨૮૫ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓએ ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરી હતી. અનુબંધમ ઓનલાઈન વેબ પોર્ટલમાં રાજકોટ જિલ્લાના ૨૬,૩૫૭ રોજગારવાંચ્છું ઉમેદવારોએ તથા ૩૧૦૪ ખાનગી નોકરીદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉપરાંત અનુબંધમ પોર્ટલ અને એમ્પ્લોયમેન્ટ કાર્ડ વિશે માહિતગાર કરવા વર્ષ ૨૦૨૪માં શાળા અને કોલેજમાં કુલ ૭૫ સેમિનારમાં કુલ ૮૯૩૪ ઉમેદવારો સહભાગી થયા હતાં. તેમજ ઉમેદવારોને રોજગારલક્ષી માર્ગદર્શન મળી રહે, તે હેતુથી રાજકોટ ખાતે વર્ષ ૨૦૨૪માં કુલ ૧૦૬ સેમિનારમાં ૧૩,૪૫૨ ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૫માં ૭૨૧ રોજગાર એનાયત પત્ર વિતરણ, ૭૦૧ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર અને છ આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ તકે મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. મહાનુભાવોનું પુસ્તકની ભેટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું. ત્યાર બાદ મહાનુભાવો દ્વારા ટેલિકોમ, જ્વેલરી, ઓટો મોબાઇલ સહિતના ક્ષેત્રે સાંકેતિક રૂપ રોજગાર એનાયત પત્ર, આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓને પ્રવેશ ઓફર લેટરનું વિતરણ કર્યું હતું. આ સાથે જ આઈ.ટી.આઈ.માં ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ, મશીનરી પૂરી પાડવા, સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ સહિતની બાબતોના અપગ્રેડેશન માટે ઉદ્યોગકારો સાથે છ એમ. ઓ.યુ. કરાયા હતા. કાર્યક્રમની આભાર વિધિ રોજગાર કચેરીના મદદનીશ નિયામક શ્રી ચેતનાબેન મારડિયાએ કરી હતી.
આ તકે મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાંત અધિકારીશ્રી વિમલ કિર્તિ ચક્રવતી, મદદનીશ નિયામક તાલીમ શ્રી કે.બી. કણજારીયા, શ્રમ અધિકારી શ્રી એ.બી.ચંદારાણા સહિત બહોળી સંખ્યામાં રોજગાર વાંચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા.