વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા મહિલા પોલીસ સ્ટેશનની “શી” ટીમ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે,જેમા તેમણે અરજદાર મહિલાને તેના સાસરી પક્ષ તરફથી રોકી રાખવામાં આવેલા તમામ ઓરીજીનલ દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) પરત અપાવ્યા છે.મહિલા પોલીસ સ્ટેશનમાં આવેલી એક અરજીમાં અરજદાર બહેને રજૂઆત કરી હતી કે તેમના સાસરી પક્ષ દ્વારા તેમને તેમના મહત્ત્વપૂર્ણ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ પરત આપવામાં આવતા નથી. આ બાબતને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) પૂજા યાદવે ગંભીરતાપૂર્વક લીધી હતી.તેમણે તુરંત જ મહિલા પોલીસ સ્ટેશનની વિશેષ ‘શી’ ટીમને આ મામલે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ‘શી’ ટીમે તાત્કાલિક પગલાં લઈને અરજદાર બહેનના તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સહી-સલામત રીતે તેમને પરત અપાવ્યા હતા.પોલીસની આ સકારાત્મક અને ઝડપી કામગીરી બદલ અરજદાર મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનની ‘શી’ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓના હિત અને સુરક્ષા માટેની પોલીસની તત્પરતાનો આ કિસ્સો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..