ભરૂચમાંથી ત્રણ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા:આમોદમાં 21 વર્ષથી રહેતું દંપતી તેમજ અંકલેશ્વરથી એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ સૂચના બાદ એસ.ઓ.જી. ભરૂચની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ત્રણ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આમોદ પોલીસ સ્ટેશન હદમાં આવેલા યાકુબ પટેલના મકાનમાં છેલ્લા 21 વર્ષથી રહેતા બાંગ્લાદેશી દંપતી ઈલ્હાઈ માણીક શના તથા રોહિમા, મુળ રહે.ગામ ફુલબારી, થાણા બોટાઈઘાટા, પોસ્ટ બડાઈડાંગા, જિલ્લો ખુલના,બાંગ્લાદેશનો ઝડપાયા હતા. સઘન પૂછપરછ દરમિયાન ખુલ્યું હતું કે તેઓ બાંગ્લાદેશથી કલકત્તા અને દિલ્હી મારફતે ગુજરાતના આમોદ ખાતે આવી વસ્યા હતા.
તે ઉપરાંત,અંકલેશ્વર શહેર “બી” ડીવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી સંપા ઉર્ફે અખી રોબેલ વેપારી નામની મહિલા ઝડપાઈ હતી. તે હાલ કડોદરા (સુરત)માં રહેતી અને મૂળ બાંગ્લાદેશના દેખારા, થાણા દિગોલીયા, જીલ્લો ખુલના વિસ્તારમાંથી આવેલી હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછમાં બહાર આવ્યું કે તે કલકત્તાથી ગોવા અને ત્યાંથી સુરત થઈ છેલ્લા પાંચ મહિના પહેલા ભરૂચમાં આવી વસેલી હતી.
એસ.ઓ.જી.ની ટીમે ત્રણેય વ્યક્તિઓની પુછપરછ તથા ડોક્યુમેન્ટ ચકાસણી કરતા તેઓ પાસે કોઇ પ્રકારના ભારતીય નાગરિકત્વના પુરાવા કે વિઝા દસ્તાવેજો ન હોવાનું બહાર આવ્યું. જેના આધારે ત્રણેય બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર વસવાટ બદલ હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગૌરતલબ છે કે, બે દિવસ પૂર્વે અંકલેશ્વર શહેરમાંથી ચાર બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ હતી, જેના પગલે હવે વધુ ત્રણની ધરપકડ સાથે કુલ સાત બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી થઈ છે.