BHARUCHBHARUCH CITY / TALUKO

દિવાળી માટે ભરૂચ ST વિભાગનું મોટું આયોજન:શ્રમયોગીઓ માટે 332 વધારાની બસ ટ્રીપો, ભાડામાં કોઈ વધારો નહીં

સમીર પટેલ, ભરૂચ

પ્રકાશના પર્વ દિવાળી નજીક આવતા જ શ્રમયોગીઓ પોતાના વતનમાં જવા ઉત્સુક બન્યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ એસટી વિભાગે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વિશાળ આયોજન હાથ ધર્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન કોઈને મુસાફરીમાં તકલીફ ન પડે તે માટે વિભાગ દ્વારા 332 એક્સ્ટ્રા એસટી બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દિવાળી તહેવારની ઉજવણીની શરૂઆત 17મી ઓક્ટોબરથી થવાની છે, ત્યારે 16 થી 26 ઓક્ટોબર સુધી ભરૂચ વિભાગ દ્વારા વધારાની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા અને ઝઘડિયા સહિતના ડેપોથી વિશેષ બસો રવાના થવાની છે.
ભરૂચ જિલ્લા ડિવિઝન કન્ટ્રોલર આર.પી. શ્રીમાળીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દિવાળી દરમ્યાન ભરૂચ ભૌલાવ બસ સ્ટેન્ડ, GNFC સ્ટેન્ડ તેમજ અંકલેશ્વર GIDC સ્ટેન્ડ પરથી પણ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
તા.16 થી 23 ઓક્ટોબર દરમિયાન દાહોદ, ઝાલોદ, સેલંબા તથા અમદાવાદ માટે એક્સ્ટ્રા ટ્રીપો મોકલવામાં આવશે. જ્યારે દિવાળી બાદ ભાઈબીજથી લાભ પાંચમ સુધી પણ વિશેષ બસો દોડાવવામાં આવશે જેથી લોકો પોતાની ફરજના સ્થળેથી વતનમાં જઈ તેમજ વાપસીમાં સરળતાથી મુસાફરી કરી શકે.
વિભાગ દ્વારા “એસટી આપના દ્વારે” અભિયાન અંતર્ગત ગ્રુપ બુકિંગની સુવિધામાં પણ શ્રમયોગીઓને તેમના કાર્યસ્થળ પરથી સીધા તેમના વતન એટલે તેમના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે.ખાસ વાત એ છે કે, આ વર્ષે એસટી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેથી મુસાફરોને રાહત મળશે. સ્થાનિક સ્તરે પણ મુસાફરોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ એસટી વિભાગે જનતાને અપીલ કરી છે કે તેઓ દિવાળીના તહેવારો દરમિયાન વધુમાં વધુ સરકારી એસટી બસ સેવાનો લાભ લે અને સુરક્ષિત રીતે પોતાના વતનમાં જઈ તહેવારની ઉજવણી કરે.

Back to top button
error: Content is protected !!