સુબિર તાલુકાનાં મોખામાળ ગામ નજીક શેરડી કામદારો ભરેલી ટ્રક પલ્ટી મારી જતા 13ને ઈજા પહોંચી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં શેરડી કાપણી માટે જઈ રહેલા કુલ ૧૩ મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સુબીર તાલુકાના સાવરખડી ગામના શ્રમિકો સાથે બની છે, જ્યારે તેઓ ટ્રકમાં સવાર થઈને દાદરીયા સુગર ફેક્ટરી તરફ જઈ રહ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, સાવરખડી ગામના મજૂરો ટ્રક નંબર GJ 05 U 3679માં સવાર થઈને મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલી દાદરીયા સુગર ફેક્ટરીમાં શેરડીની કાપણીના કામ અર્થે જઈ રહ્યા હતા.આ ટ્રક જ્યારે મોખામાળ ગામ નજીકથી પસાર થઈ રહી હતી, તે સમયે અચાનક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા ટ્રક રોડ પર જ પલટી મારી ગઈ હતી, જેના કારણે સ્થળ પર જ ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ગોઝારા અકસ્માતમાં ટ્રકમાં સવાર કુલ ૧૩ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં ૨ બાળકો, ૪ મહિલાઓ અને ૭ પુરુષોનો સમાવેશ થાય છે. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઈજાગ્રસ્ત થનારાઓમાં ગુલાબ મોતીરામ પવાર, કમલ ગોમા આહીર, ગનસ્યા બુધ્યા પવાર, દિલીપ ગોમા આહીર, મસી દિલીપ આહીર, જાનુ ગુલાબ પવાર, રામચંદભાઈ, હરસન મારેલભાઈ, દિયા દિલીપ આહીર અને નિતેશ દિલીપ આહીરનો સમાવેશ થાય છે.ઈજાગ્રસ્ત તમામ ૧૩ શ્રમિકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સુબીર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ પૈકીના ૬ ઇસમોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી, તેમને વધુ અને વિશેષ સારવાર આપવા માટે તત્કાળ આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ ગંભીર બનાવની જાણ થતાં જ સુબીર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં થયો તે જાણવા માટે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે.સુબિર પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ શરૂ કરી છે..