જૂનારાજ ગામે નાવડી મારફતે પહોંચી આરોગ્ય ટીમે એડવાન્સ પોલિયો રસિકરણ કાર્ય પૂરું કર્યું
તાહિર મેમણ- ડેડીયાપાડા- 09/10/2025 – નર્મદા જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “પોલિયો મુક્ત ભારત”ના ધ્યેયને સાકાર કરવા માટે એડવાન્સ પોલિયો રસિકરણ અભિયાન સક્રિય રીતે અમલમાં મૂકાયું છે. તેના માટે સતત માનવસેવા અને સમર્પણની ભાવના સાથે આરોગ્ય વિભાગ અને કર્મયોગીઓ દ્વારા કાર્ય થઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. વી. વાળાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢકની આગેવાનીમાં આરોગ્ય ટીમો રોજે રોજ એવા ઉંડાણના વિસ્તારોમાં જઈ રહી છે, જ્યાં પહોંચવું પણ એક પડકાર સમાન છે.
આગામી સમયમાં નર્મદા જિલ્લામાં દરેક તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર, ANM તથા સુપરવાઇઝર ટીમો ઘરદીઠ જઈને 0 થી 5 વર્ષ સુધીના દરેક બાળકને પોલિયોનો ડોઝ પીવડાવવા પ્રયત્નશીલ છે. ખાસ કરીને અંતરીયાળ અને રિમોટ વિસ્તારોમાં પણ કોઈ બાળક ચૂકી ન જાય તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ સેવા આપવા અગ્રેસર રહ્યાં છે. તેના ભાગરૂપે આજે નાંદોદ તાલુકાના જૂનારાજ ગામમાં એડવાન્સ પોલિયો રસિકરણ અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓની ટીમે એક અનોખો પ્રયત્ન કર્યો હતો. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વસેલા આ ગામ સુધી ટીમ નાવડી મારફતે પહોંચી હતી. નાવડીમાં રસિકરણ કીટ, કોલ્ડ બોક્સ અને હિંમત સાથે ટીમે ગામના દરેક ફળિયા-ખૂણામાં જઈને 0થી 5 વર્ષના બાળકોને પોલિયોનો ડોઝ આપ્યો હતો.
દરેક ફળિયામાં જઈને “કોઈ બાળક ચૂકી ન જાય” એ ધ્યેય સાથે ટીમે ઘરદીઠ સર્વે કરીને બાળકોનું રસિકરણ પૂર્ણ કર્યું હતું. નદી પારથી લાવેલા પોલીયોના દરેક ટીપામાં ટીમના સમર્પણ, જવાબદારી અને સેવા ભાવના ઝળકતી હતી. કુદરતી અવરોધો વચ્ચે પણ દરેક બાળક સુધી પોલિયોનો ટીપા પહોંચાડવાનો સંકલ્પ સાકાર કર્યો.
આ અભિયાન માત્ર એક આરોગ્ય કાર્યક્રમ નહીં પરંતુ, માનવતા અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની ફરજનો એક સુંદર સંયોગ છે. જ્યાં નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ “દરેક બાળક સ્વસ્થ રહે” તે ધ્યેયને સાકાર કર્યો છે.
જિલ્લા આરોગ્ય વિભાગની આ કામગીરી એ દર્શાવે છે કે, સરકારી સેવાઓ કેવી રીતે સમર્પણ અને માનવતાના ઉમદા ઉદાહરણ બની શકે છે.
આ ટીમમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.કે. સુમન, લાછરસ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મનિષા વસાવા, હેલ્થવર્કર ભાઈઓ-બહેનો, નર્સિંગ સ્ટાફ અને આંગણવાડી કાર્યકર બહેનો જોડાયા હતા.