RAJKOT:સીલીકોસીસ પીડિતો અને પી.ટી.આર.સી. પ્રતિનિધીમંડળની રાજકોટ પી.એફ. કચેરી ખાતે રજૂઆત
RAJKOT:સીલીકોસીસ પીડિતો અને પી.ટી.આર.સી.
પ્રતિનિધીમંડળની રાજકોટ પી.એફ. કચેરી ખાતે રજૂઆત
તા. 08 ઓક્ટોબર 2025ના રોજ પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (PTRC)ની આગેવાની હેઠળનું પ્રતિનિધીમંડળ રાજકોટ સ્થિત પ્રદેશ કર્મચારી ભવિષ્ય નિધિ કચેરી (EPFO) ની મુલાકાતે ગયું હતું.આ પ્રતિનિધીમંડળમાં ચાર સીલીકોસીસ પીડિત કામદારો સામેલ હતા. પ્રતિનિધીમંડળનો મુખ્ય હેતુ ‘કેદમાં કાયદા’ અભ્યાસ અહેવાલની નકલ પી.એફ. કચેરીમાં જમા કરાવવાનો તથા પીડિત કામદારોની વ્યક્તિગત પી.એફ. સંબંધિત ફરીયાદો કમીશનર સમક્ષ રજૂ કરવાનો હતો.
કમીશનરને મળવા મુશ્કેલી — માત્ર એક વ્યક્તિને જ પ્રવેશ
પ્રતિનિધીમંડળે અગાઉથી સમય લઈને મુલાકાત લીધી હતી, છતાં કચેરીના અધિકારીઓએ શરૂઆતમાં માત્ર એક વ્યક્તિને જ ઉપર જવાની મંજૂરી આપી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે “અમારી રજૂઆત સીધી મુખ્ય અધીકારીને કરવી છે.” બાદમાં મોરબીના પી.એફ. ઇન્સ્પેક્ટરને મળવા સૂચન મળ્યું અને લાંબી રાહ પછી અંતે રીજીયોનલ પી.એફ. કમીશનર (ગ્રેડ-2) શ્રીમતી કાન્તા દેવી મોટવાણીને મળવાની તક આપી.
આંકડા જાહેર ન કરવાના બહાના કમીશનરશ્રીને પૂછવામાં આવ્યું કે, “મોરબી જિલ્લામાં કેટલા એકમો અને કામદારો પી.એફ. કાયદા હેઠળ આવરી લેવાયા છે?” — ત્યારે જવાબ મળ્યો કે, “ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, કારણ કે કેટલા યુનિટ બંધ છે અને કેટલાં ચાલુ છે તે અંગે સ્પષ્ટ માહિતી નથી.”અભ્યાસ અહેવાલ ‘કેદમાં કાયદા’ જમા — પરંતુ તસવીર લેવાની મનાઈ પ્રતિનિધીમંડળે મોરબી જિલ્લાના 2000 કામદારો પર કરાયેલ સામાજિક સુરક્ષા વિષયક અભ્યાસનો અહેવાલ — ‘કેદમાં કાયદા’ — કચેરીમાં જમા કરાવ્યો. અહેવાલ આપતી વખતે તસવીર લેવા મંજૂરી માગવામાં આવી, પરંતુ કચેરીના અધિકારીઓએ તે નકારી અને રિપોર્ટ નીચે જમા કરાવો એવું જણાવ્યું.
જાહેર માહિતી અધિકારી અને પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર અંગે ઉલ્લંઘન મુલાકાત દરમિયાન કચેરીમાં જાહેર માહિતી અધિકારી (PIO) અને અપીલ અધિકારી અંગેનું કોઈ બોર્ડ કે માહિતી પ્રદર્શિત ન હોવાનું જોવા મળ્યું. વધુમાં પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર (Section 4 RTI Act) પણ કચેરીમાં ઉપલબ્ધ નહોતું. ફોટો લેતાં અટકાવ્યા — કામદારોનો પ્રશ્ન:
અંતે પ્રતિનિધીમંડળે કચેરીની બહાર ગ્રુપ ફોટો લેવા પ્રયાસ કર્યો ત્યારે, સુરક્ષા રક્ષક તથા અધિકારીઓએ તેમ કરતાં અટકાવ્યા. પ્રતિનિધીમંડળના સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો કે,
“આ સરકારી કચેરી છે કે ખાનગી? કામદારો માટે બનેલી કચેરીમાં જ કામદારોને પોતાની રજૂઆત કરવાની અને એક સામાન્ય તસવીર લેવા પણ મનાઈ કેમ?”મોરબી જિલ્લામાં હજારો કામદારો એવા છે જેઓ પી.એફ. કાયદા હેઠળ આવરી લેવાયા નથી. સરકાર અને પી.એફ. વિભાગે પારદર્શિતા રાખવી જોઈએ અને કામદારોને સીધી રજૂઆત કરવાની તક આપવી જોઈએ.