MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનો નિદર્શન કાર્યક્રમ યોજાયો
MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનો નિદર્શન કાર્યક્રમ યોજાયો
મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે ટેક હોમ રાશન (THR), સરગવા તથા મીલેટ્સથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓના નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવીએ મહિલાઓને પોષણ વિષયક પ્રેરણાત્મક સંદેશ આપતા જણાવ્યું હતું કે, મહિલા એટલે અન્નપૂર્ણા, સમાજના પોષણ અને આરોગ્ય માટે મહિલા એ મુખ્ય આધારસ્તંભ છે. વધુમાં તેમણે સૌને પોષણયુક્ત આહાર દ્વારા દરેક પરિવાર સુપોષિત અને સ્વસ્થ બને તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન, સરગવા તથા મીલેટ્સથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ આ વાનગીઓનું નિદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં પોષણ વિશે જાગૃતિ, સ્થાનિક અન્નથી પૌષ્ટિક ખોરાક તૈયાર કરવાની પ્રેરણા અને સુપોષિત સમાજ તરફના પ્રયત્નોને વધુ વેગ મળ્યો હતો.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.સી.ભટ્ટ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓશ્રીઓ, મુખ્ય સેવિકાઓ તેમજ આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.