NATIONAL

IPS વાય. પૂરન કુમારની આત્મહત્યાના મામલે 14 અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી

હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પૂરન કુમારની આત્મહત્યાના બે દિવસ બાદ ચંદીગઢ પોલીસે ગુરુવારે રાત્રે મોડેથી મોટl કાર્યવાહી કરી. મૃતકના સુસાઇડ નોટમાં નામ આપેલા હરિયાણાના DGP શત્રુજીત કપૂર અને SP રોહતક નરેન્દ્ર બિજારણિયા સહિત કુલ 14 અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ધારા 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અને SC/ST એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. IPS પૂરન કુમાર (Puran Kumar)ના પરિવારે સતત FIR નોંધવાની માંગ કરી હતી. તેમની પત્ની અને હરિયાણાના સિનિયર IAS અધિકારી અમનીત પી. કુમારને IAS લોબીનો પણ ટેકો મળ્યો હતો, જેમાં ઘણા અધિકારીઓ ગુરુવારે તેમના ઘરે ગયા હતા. પરિવારે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી તમામ આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ નહીં થાય ત્યાં સુધી તેઓ પોસ્ટમોર્ટમ નહીં થવા દે.

શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે પૂરન કુમારની પુત્રી અમેરિકાથી પાછી ફરવાની હોવાથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા અટકાવવામાં આવી હતી. ગુરુવારે તે પણ ચંદીગઢ પહોંચી ગઈ, પરંતુ FIR નોંધાયા પછી જ પોસ્ટમોર્ટમ શક્ય બન્યું. IAS અમનીત પી. કુમારે જાપાનથી પરત ફર્યા બાદ બુધવારે ચંદીગઢ સેક્ટર-11 પોલીસ સ્ટેશનમાં પતિની સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધાવી હતી. 7 ઓક્ટોબરના રોજ પૂરન કુમારે સેક્ટર 11 સ્થિત પોતાના ઘરે ગોળી મારીને આત્મહત્યા કરી હતી.

તેમણે 8 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે આત્મહત્યા માટે વર્તમાન DGP શત્રુજીત કપૂર, SP રોહતક નરેન્દ્ર બિજારણિયા સહિત કેટલાક IPS અને IAS અધિકારીઓના નામ આપ્યા હતા, જેમાં બે પૂર્વ DGPનો પણ સમાવેશ થાય છે. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે તેમની સાથે ઘણા વર્ષોથી જાતિગત ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો અને જ્યારે તેમણે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હેરાન-પરેશાન કરવામાં આવતા હતા.

આ ગંભીર મામલામાં મુખ્યમંત્રી નાયબ સૈનીએ પણ રસ લીધો હતો. તેમણે એડવોકેટ જનરલ સાથે પરામર્શ કર્યો અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી. CM સૈનીએ ચંદીગઢ એરપોર્ટ પર DGP શત્રુજીત કપૂર સાથે મુલાકાત કરીને સમગ્ર ઘટનાક્રમની માહિતી પણ મેળવી હતી.

કયા કયા અધિકારી સામે ફરિયાદ 

  1. શત્રુજીત કપૂર, DGP હરિયાણા
  2. અમિતાભ ઢિલ્લોં, ADGP
  3. સંજય કુમાર, ADGP, 1997 બેચ
  4. પંકજ નૈન, IGP 2007 બેચ
  5. કલા રામચંદ્રન, IPS, 1994 બેચ
  6. સંદીપ ખિરવાર, IPS 1995 બેચ
  7. સિબાશ કવિરાજ, IPS 1999 બેચ
  8. મનોજ યાદવ, પૂર્વ DGP, IPS 1988 બેચ
  9. પી.કે. અગ્રવાલ, પૂર્વ DGP, IPS 1988 બેચ
  10. ટીવીએસએન પ્રસાદ, IAS 1988 બેચ
  11. નરેન્દ્ર બિજારણિયા, SP રોહતક
  12. રાજીવ અરોડા, પૂર્વ ACS
  13. કુલિવંદર સિંહ, IG મધુબન
  14. માટા રવિ કિરણ, ADGP, કરનાલ રેન્જ

Back to top button
error: Content is protected !!