નવસારી કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રજૂ થયેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ પદાધિકારીઓ દ્વારા સમિતિ સમક્ષ રજૂ થયેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી અને ઉકેલ માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર જણાવ્યું કે સંકલન વિભાગના અધિકારીશ્રીઓએ તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ અન્વયેના તમામ પ્રશ્રોને અગ્રિમતા આપવી. વધુમાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન રોડ રસ્તા, સિંચાઇ, વીજળી, શિક્ષણ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ વિગેરે સહિતના નોંધાયેલ પ્રશ્નોના નિકાલ બાબતે ઝીણવટભરી સમીક્ષા કરી તાત્કાલિક પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. સાથે, નવસારી જિલ્લામાં ભવિષ્યની જરૂરીયાતોને કેન્દ્રમાં રાખીને વિવિધ વિકાસ કામોનું આયોજન તેમજ કામગીરીના નિરીક્ષણ અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
સંકલનના સમિતિના અધિકારીઓને શહેર/ગામડાઓની મુલાકાત કરવા અને પ્રજાજનો દ્વારા રજૂ થતી સમસ્યાઓ પ્રશ્રો ઉપરાંત નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, વાંસદા પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેકટર વાય. બી. ઝાલા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.