વિયેતનામના થાઈ ન્ગુએન પ્રાંતમાં સ્ટૉર્મ માટમો વાવાઝોડાએ ભયાનક પૂર, 2 લાખ ઘર ડૂબી ગયા
વિયેતનામના થાઈ ન્ગુએન પ્રાંતમાં સ્ટૉર્મ માટમો વાવાઝોડાએ ભયાનક પૂર લાવી દીધું છે. આ પૂર એટલું ભયાનક છે કે, તેને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ પૂરમાં ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ થયા છે, બે ગુમ થયા છે અને આશરે 2 લાખ ઘર પાણીમાં ડૂબી ગયા છે. આ વાવાઝોડામાં આખો વિસ્તાર ઉજડી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 45 ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત થયા છે. જોકે, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
ન્યૂએન પ્રાંતમાં આશરે 2 લાખ કાચા-પાક્કા મકાનો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે લાખો લોકો બેઘર બન્યા છે. સ્કૂલો, બજારો અને હોસ્પિટલો પણ બંધ થઈ ગઈ છે. પૂરના કારણે રસ્તા, પૂલ અને વીજળીના તારને પણ ભારે નુકસાન થયું છે.
થાઈ ન્ગુએન એક કૃષિપ્રધાન વિસ્તાર હોવાથી, આ પૂરના કારણે ખેડૂતોની આજીવિકાને ભારે ફટકો પડ્યો છે. આશરે 5,400 હેક્ટરથી વધુ જમીન પરના ડાંગર, શાકભાજી અને ફળોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સિવાય માછીમારોના માછલી પાલનના તળાવોને પણ મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત, 1 લાખ 36 હજારથી વધુ મરઘાં અને અન્ય પક્ષીઓના પણ જીવ ગયા છે, જે ખેડૂતોની કમાણીનો મોટો સ્ત્રોત છે. આ મોટું નુકસાન લાખો પરિવારોને ભૂખમરાના આરે લાવી શકે છે.
વિયેતનામ સરકારે તત્કાલિક રાહત કામગીરી શરૂ કરી દીધી છે. સેના અને સ્થાનિક અધિકારીઓ બોટ દ્વારા ખોરાક, દવાઓ અને ધાબળાનું વિતરણ કરી રહ્યા છે. રેસ્ક્યૂ ટીમો લોકોને બચાવવા માટે સતત કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે રેડ ક્રોસ પણ સહાય મોકલી રહી છે.
નિષ્ણાતોના મતે, આબોહવા પરિવર્તનના કારણે આવા વિનાશક વાવાઝોડાની ઘટનાઓ વધી રહી છે. તેમણે ભવિષ્યમાં આવી કુદરતી આફતોનો સામનો કરવા માટે મજબૂત બંધો અને અસરકારક ચેતવણી પ્રણાલીઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિયેતનામી લોકો તેમની હિંમત માટે જાણીતા છે અને હવે આ વિનાશ પછી પુનર્નિર્માણનો સમય છે.