ચોરાયેલી અર્ટીગા કાર સાથે બે ઝડપાયા:ભરૂચ LCB એ જંબુસર બાયપાસ પરથી 10 લાખની કાર કબજે કરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે (LCB) સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી અર્ટીગા કાર સાથે બે શિનોર નિવાસીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ભરૂચ-જંબુસર બાયપાસ ચોકડી પરથી આ બંને આરોપીઓને કાર સહિત ઝડપી પાડ્યા હતા.
LCB ટીમ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા અને ઉકેલવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, એક મહિના પહેલા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ગ્રે કલરની અર્ટીગા કારમાં બે ઈસમો ભરૂચ-જંબુસર બાયપાસ ચોકડી થઈ સુરત તરફ જઈ રહ્યા હતા અને કાર પર નંબર પ્લેટ પણ નહોતી.
બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ કારને અટકાવી હતી. કારમાં સવાર આસીફખાન હનિફખાન નકુમ અને ઇમરાન અબ્દુલભાઈ નકુમ નામના બંને ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ગાડીની માલિકી સંબંધિત દસ્તાવેજો માંગવામાં આવતા તેઓ સંતોષકારક પુરાવા આપી શક્યા નહોતા.
પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કાર ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ (ચોરાયેલી કાર) કબજે કર્યો છે. કામરેજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ઉક્ત કાર બાબતે ત્યાં પહેલેથી જ ચોરીનો ગુનો નોંધાયેલો છે. આથી, બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસને જાણ કરવામાં આવી છે.