AHAVADANG

ડાંગમાં વરસાદના વિરામ સાથે જ રસ્તાઓનું સમારકામ પૂરજોશમાં:-રાજય મા×મ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત શરૂ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ચોમાસાનાં વિરામ બાદ તરત જ ડાંગ જિલ્લા માર્ગ અને મકાન (રાજય)વિભાગ દ્વારા જિલ્લાના મુખ્ય માર્ગો પર યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય દિવાળીનાં તહેવાર પહેલા પ્રવાસીઓ અને સ્થાનિકોને સુગમ્ય અને ખાડામુક્ત રસ્તાઓ પૂરા પાડવાનો છે.ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગ વિભાગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણા દ્વારા તાત્કાલિક અસરથી વઘઈ-ડુંગરડા-ભેંસ્કાત્રી રોડ અને આહવા-નવાપુર રોડ પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે હાલમાં પૂર્ણતાના આરે છે.આનાથી જિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર અને આંતરિક વિસ્તારને જોડતા માર્ગો ફરીથી હાઇ-સ્પીડ વાહનવ્યવહાર માટે તૈયાર થઈ જશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ હોવા છતા પણ ડાંગ જિલ્લા રાજય ધોરી માર્ગ વિભાગની પૂર્વ-તૈયારીઓ અને સમયસરની કાર્યવાહીને કારણે મોટાભાગના રસ્તાઓ સારી સ્થિતિમાં જળવાઈ રહ્યા હતા.ચોમાસાની શરૂઆતમાં જ વિભાગ દ્વારા સંભવિત ક્ષતિગ્રસ્ત થનારા વિસ્તારો પર કોંક્રિટ પેચવર્કની કામગીરી સમયાંતરે કરવામાં આવી હતી, જે મહદઅંશે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.આ સતત દેખરેખ અને તાત્કાલિક રિપેરિંગની નીતિને લીધે રાજય ધોરીમાર્ગ વિભાગ હસ્તકના રોડ પર ચોમાસા દરમિયાન પણ વાહનવ્યવહાર સુગમ્ય રહ્યો હતો. પરિણામે ચોમાસુ પૂર્ણ થયા બાદ રસ્તાઓને મોટા પાયે રિપેર કરવાની જરૂરિયાત નહિવત પ્રમાણમાં ઊભી થઈ છે, અને હાલમાં માત્ર જરૂરી હોય ત્યાં જ ફાઇનલ ડામર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.ડાંગ જિલ્લાનાં રાજય ધોરીમાર્ગ વિભાગનાં કાર્યપાલક ઈજનેર કે.બી.કુંકણાએ જણાવ્યુ હતુ કે દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ડાંગ (સાપુતારા)માં પ્રવાસીઓનો ધસારો રહે છે.ત્યારે ડાંગ માર્ગ અને મકાન રાજય વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓને રાહત મળી જશે.સાથે જ માર્ગ મકાન રાજય વિભાગ દ્વારા નિશ્ચિત સમયમર્યાદામાં રોડનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી લોકો સરળતાથી અને સલામત રીતે દિવાળીની રજાઓ માણી શકે.વધુમાં આ કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ એક કરીને કામ કરી રહ્યા છે, જે તેમની જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ડાંગના રસ્તાઓ ફરી એકવાર લીલીછમ પ્રકૃતિની વચ્ચે પ્રવાસ માટે તૈયાર છે..

Back to top button
error: Content is protected !!