આઇફોન નિર્માતા ફોક્સકોનનું તમિલનાડુમાં રૂ.૧૫૦૦૦ કરોડનું રોકાણ…!!

આઇફોનના નિર્માતા અને વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપની ફોક્સકોન તમિલનાડુમાં રૂ.૧૫૦૦૦ કરોડનું રોકાણ કરશે, જેના પરિણામે અંદાજીત ૧૪૦૦૦ નવી નોકરીઓનું સર્જન થશે. રાજ્ય સરકારે આ રોકાણને અત્યાર સુધીની સૌથી મોટી રોકાણ પ્રતિબદ્ધતા ગણાવી છે અને પ્રોજેક્ટના અમલીકરણને ઝડપી બનાવવા માટે ખાસ “ફોક્સકોન ડેસ્ક” સ્થાપવાની જાહેરાત કરી છે.
તમિલનાડુ સરકારે ૧૩ ઓક્ટોબરના રોજ આ માહિતી જાહેર કરી હતી. રાજ્યના ઉદ્યોગ પ્રધાન ટીઆરબી રાજાએ જણાવ્યું હતું કે ફોક્સકોનનું આ રોકાણ તમિલનાડુ માટે અત્યાર સુધીનું સૌથી મોટું એન્જિનિયરિંગ રોજગાર સર્જનાર રોકાણ બનશે. રાજ્ય સરકારની રોકાણ પ્રોત્સાહક એજન્સી આ પ્રોજેક્ટ માટે સંકલન, દેખરેખ અને રોજગાર તકોને સુનિશ્ચિત કરવા માટે વિશેષ ફોક્સકોન ડેસ્ક સ્થાપશે. આ પગલું ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ઔદ્યોગિક રોકાણના ક્ષેત્રમાં તમિલનાડુની વધતી પ્રતિષ્ઠા અને આકર્ષણને વધુ મજબૂત બનાવે છે.


