જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.લીલી પરિક્રમાનો તા.૨ નવેમ્બરના રોજ પ્રારંભ થશે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી,પાણી,આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી.આ ઉપરાંત દામોદરકુંડની સફાઈ, માનવ ભીડના કારણે કોઈ અકસ્માત ન સર્જાય એ માટે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ પરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી જરૂરી આયોજન કરવા નિર્દશ આપ્યા હતાં. આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરશ્રીએ સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી ઉપરાંત દૂધ સહિતનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારી લેવા, તેમજ રીક્ષા ભાડા અને દૂધના ભાવ વધારે ન લે એ માટેની સંબંધિત અધીકારીઓને સૂચના આપવામાં આવી હતી.આ બેઠકમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રીએચ.પી.પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી બી.એસ.બારડ,પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ