રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરા હજામ(સમા) ફળીયાના રહેવાસીઓનો આક્રોશ : જાહેર માર્ગ પરથી શાકભાજીની લારીઓનું દબાણ હટાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી
મુંદરા(વોર્ડ નં. ૪), તા.14 : વિસ્તારના રહેવાસીઓ દ્વારા તેમના રહેણાંક વિસ્તારના મુખ્ય રસ્તા પર છેલ્લા બે વર્ષથી ઊભી રહેતી શાકભાજીની હાથલારીઓ સામે મુંદરા બારોઈ નગર પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આક્રમક રજૂઆત સાથે નોટિસ પાઠવવામાં આવી છે. અરજદાર સમા અબ્દુલ મજીદ મામદ અને વિરલ ચેતનભાઈ મામતોરા સહિત સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે આ દબાણને કારણે રહેવાસીઓને આવવા-જવામાં ભારે અગવડ પડે છે. વાહનો પસાર થઈ શકતા નથી, ગંદકી ફેલાય છે, અને પશુઓ (આંખલાઓ, ગાયો)ના જમાવડાને કારણે અવારનવાર અકસ્માતો થાય છે.
આ વિસ્તારમાં આવેલી દુલેરાય કારાણી તાલુકા પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસમાં પણ ખલેલ પહોંચે છે અને ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાનો સતત ભય સતાવે છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે આ સમસ્યા બાબતે અગાઉ અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં નગર પાલિકા દ્વારા આજદિન સુધી કોઈ કાયદા મુજબની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના માટે નગર પાલિકાના અધિકારીઓ જવાબદાર છે. રહેવાસીઓએ પાલિકાની કામગીરીને ‘નાટક’ સમાન ગણાવી કાયમી ઉકેલની માંગ કરી છે.
રહેવાસીઓએ નોટિસમાં નગર પાલિકાને ૭ દિવસની આખરી ચીમકી આપી છે. તેમણે જણાવ્યું છે કે ટૂંક સમયમાં શાકભાજીની હાથલારીઓનું દબાણ કાયમી ધોરણે દૂર કરવામાં નહીં આવે તો તેઓ સંગઠિત થઈને આંદોલન કરશે. આ અંતર્ગત તેઓ શાળાના વાલીઓ અને બાળકો સાથે મળીને એસ.ડી.એમ. ઓફિસ ખાતે એક દિવસના ધરણાંનું આયોજન કરશે તેમજ મુંદરા બારોઈ નગર પાલિકા સામે નામદાર કોર્ટમાં જાહેર હિતની અરજી (પી.આઈ.એલ.) દાખલ કરશે જેની સંપૂર્ણ જવાબદારી નગર પાલિકાની રહેશે. અરજદાર સમા અબ્દુલ મજીદે વધુમાં જણાવ્યું હતું કે, જો સ્થાનિક કક્ષાએ ઉકેલ નહીં આવે તો તેઓ કચ્છ કલેકટરશ્રી, જિલ્લા ટ્રાફિક વિભાગ અને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી રજૂઆત કરવા મજબૂર બનશે. આ નોટિસની નકલો ઉચ્ચ સરકારી અધિકારીઓને પણ જાણ અને કાર્યવાહી માટે મોકલી દેવામાં આવી છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com