આણંદમાં 3977 ખેડૂતોને 12.40 કરોડની સહાય જિલ્લા કક્ષાનો પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું
આણંદમાં 3977 ખેડૂતોને 12.40 કરોડની સહાય જિલ્લા કક્ષાનો પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું
તાહિર મેમણ – આણંદ – આ મહોત્સવ દરમિયાન જિલ્લાના કુલ 3977 લાભાર્થીઓને રૂપિયા 1240.04 લાખ (આશરે ₹12.40 કરોડ)ની સહાય ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પણ સહાયનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ તબક્કે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીએ પ્રદર્શનમાં મૂકવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી.
રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આ કૃષિ પરિસંવાદ અને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે.તેમણે વધુમાં જણાવ્યું કે, રવિ કૃષિ મહોત્સવના માધ્યમથી આણંદ જિલ્લામાં 3977 લાભાર્થીઓને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ હેઠળ ₹1240.04 લાખની સહાય આપવામાં આવી રહી છે. તે પૈકી આણંદ તાલુકામાં 643 લાભાર્થીઓને ₹165.82 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સોલંકીએ અનુરોધ કર્યો કે, જિલ્લાનો કોઈ પણ ખેડૂત કે પશુપાલક સહાયથી વંચિત ન રહે. રમણભાઈ સોલંકીએ જિલ્લાના ખેડૂતોને રવિ પાક વિશે આધુનિક કૃષિ તકનીકો, પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકોમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને તેનું માર્ગદર્શન મેળવવા માટે આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા પણ અપીલ કરી હતી