વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*મહાનુભાવોના હસ્તે ખેડૂતોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા :*
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત યોજાઇ રહેલ આ કાર્યક્રમમા તા. ૧૪ ઓક્ટોબરના દિવસને “કૃષિ વિકાસ દિન” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત આજરોજ આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૭ મી ઓક્ટોબર-૨૦૦૧ ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪ મા મુખ્યમંત્રી તરીકે શપત લીધાં હતાં ત્યાર થી આજસુધી નરેદ્રભાઈ મોદીએ અનેક જન કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે જેની વિકાસ ગાથાને વર્ણવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેમ જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતું.
સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ કૃષિ વિકાસ દિન મહોત્સવમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના ૫ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવનાર છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના ૨૦૦ જેટલાં લાભાર્થીઓને રૂપિયા ૨.૫ કરોડના માતબર રકમનાં વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવેલ છે.
ડાંગ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જિલ્લાના કુલ ૩૯૬૭૧ ખેડૂત પરિવારોને કુલ રૂ. ૧૧૭.૨૫ કરોડ થી વધુની સહાય ચુકવવામાં આવેલ છે. ડાંગ જિલ્લામાં આઈ ખેડુત પોર્ટલ ૨.૦ પર ૭૧૦૪ અરજીઓ આવેલ હતી જેમાં ૨૨૫૪ લાભાર્થીને મંજુરી આપવામાં આવેલ છે. અને કુલ ૪૮૪ લાભાર્થીઓને એક કરોડ થી વધુ ચુકવણી હુકમ કરવામાં આવેલ છે. તેમજ છેલ્લા પાચ વર્ષમાં ડાંગ જિલ્લામાં કૃષિ મહોત્સવ ઉજવણી, આંતરરાષ્ટીય મિલેટ વર્ષ-૨૦૨૩ ની ઉજવણી, કૃષિમેળા તેમજ ખેડૂત તાલીમ દ્રારા કુલ ૩૧૬૪૬ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવેલ છે. સાથે જ ખાતેદાર ખેડુત અક્સ્માત વીમા યોજના હેઠળ જિલ્લામાં છેલ્લા પાચ વર્ષમાં (સપ્ટેમ્બર-૨૦૨૫ અંતીત) ૪૬ દાવાઓ મંજુર કરી કુલ રૂ. ૯૨ /- લાખથી વધુની વીમા સહાય ચુકવવામાં આવેલ છે. તેમજ જણાવી વિજયભાઇ પટેલે પુરક વિગતો આપી હતી.
દરમિયાન આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરીએ સરકારના ૨૪ વર્ષના વિકાસ ગાથા વર્ણવી જિલ્લાના ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
કૃષિ મહા વિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક વિ.જે.બાવલગાવે એ સસ્ટેનેબલ ફાર્મિગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં ધટાડો વિષયક ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડુત ઉમેશભાઇ રાઉતે પ્રાકૃતિક ખેતી અંગેની સાફલ્યગાથા વર્ણવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા હતાં. સાથે જ જિલ્લામાં યોજાઇ રવિ કૃષિ મહોત્સવમાં જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા, બાગાયત, પશુપાલન જેવા વિવિધ વિભાગોએ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શન ૨ દિવસ સુધી ખુલ્લું રહેશે જેનો ખેડુતો યોજાનાકીય જાણકારી અને લાભ મેળવી શકશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હરીશભાઈ બચ્છાવ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, હિસાબી અધિકારી આર. બી ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજયભાઇ ભગરીયા, બાગાયત અધિકારી આનંદભાઇ બાગુલ, પશુપાલન અધિકારી હર્ષદભાઇ ઠાકરે, સહિતના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડુતો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.