MORBI:મોરબીની ત્રણ શાળાની દીકરીઓને દિવાળી પહેલા આત્મસન્માનની ભેટ
MORBI:મોરબીની ત્રણ શાળાની દીકરીઓને દિવાળી પહેલા આત્મસન્માનની ભેટ
વેકેશન પૂર્વે દીકરીઓની ‘હાઇજીન’ જરુરીયાત પૂરી કરી ‘મુસ્કાન મેજીક બોક્સ’ દ્વારા નિઃશુલ્ક સેનેટરી પેડ્સ વિતરણ કરાયા
જ્યારે દિવાળી વેકેશનની ખુશીઓ આંગણે આવીને ઊભી છે, ત્યારે ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ મુસ્કાન’એ કરુણાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વેકેશન દરમિયાન પણ દીકરીઓને સ્વચ્છતા અને સ્વાસ્થ્યની તકલીફ ન પડે, તે સંવેદના સાથે ગોકુલનગર, લાઈન્સનગર અને વજેપરની શાળાઓની દરેક દીકરીઓને નિઃશુલ્ક મુસ્કાન મેજીક બોક્સ (સેનેટરી પેડ્સ)નું વિતરણ કરવામાં આવ્યું.
મેંગોપીપલ પરિવારની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી અનેક જરૂરિયાતમંદ દીકરીઓનું સન્માન અને સ્વાસ્થ્ય જાળવી રહી છે. તેમનો ઉદ્દેશ માત્ર પેડ્સ વહેંચવાનો નથી, પણ દીકરીઓને માસિક ધર્મ વિશેની સાચી સમજણ અને નિઃસંકોચ વાતચીતનો માહોલ આપવાનો છે. આ પ્રેમભરી ભેટ મેળવીને દરેક દીકરીઓના ચહેરા પર જે આનંદ અને ખુશી છવાઈ ગઈ, તે દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું. વેકેશનની શરૂઆતમાં મળેલી આ ‘ખાસ ગિફ્ટ મુસ્કાન મેજીક બોક્સ’ તેમના ચહેરા પર એક મીઠી ‘મુસ્કાન’ લાવી દીધી.આ સુંદર કાર્યને સફળ બનાવવા માટે મેંગોપીપલ પરિવારના શ્રી મનીષભાઈ રાઠોડ અને શ્રીમતી રૂપલબેન રાઠોડે અથાક જહેમત ઉઠાવી. સાથે જ, આચાર્યશ્રી વિનોદભાઈ, આચાર્યશ્રી કિશોરભાઈ, આચાર્યશ્રી અરવિંદભાઈ અને તમામ શાળાના સ્ટાફે પણ પૂરા દિલથી સહયોગ આપીને દીકરીઓના ચહેરા પર મુસ્કાન ફેલાવી.મેંગોપીપલ સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝૂંપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવી રહી છે. આ સંસ્થા માત્ર નિઃશુલ્ક શિક્ષણ જ નહીં, પણ ‘જ્ઞાન સાથે ગમ્મત’ અને શુદ્ધ, પૌષ્ટિક નાસ્તો આપીને બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યશીલ છે.
ઉપરાંત, પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા છેલ્લા ૮ વર્ષથી જામનગર, રાજકોટ, વાંકાનેર અને મોરબી જેવા વિસ્તારોમાં છેવાડાની બહેનો અને દીકરીઓને દર મહિને નિયમિતપણે નિઃશુલ્ક સેનેટરી પેડ્સ અને નિઃશુલ્ક અંડરગારમેન્ટ પણ પહોંચાડવામાં આવે છે. આ મદદ માત્ર ભૌતિક નથી, પણ દરેક દીકરીના આત્મસન્માન અને ગૌરવનું રક્ષણ છે.મેંગોપીપલ પરિવારના આ માનવતાના કાર્યમાં જોડાવા અને આપનો અમૂલ્ય સહયોગ આપવા માટે, આપ શ્રી મનીષ રાઠોડ (મોબાઈલ નંબર: ૯૨૭૬૦૦૭૭૮૬) નો સંપર્ક કરી શકો છો.આપનો નાનો ટેકો પણ કોઈ દીકરીના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. ચાલો, આપણે સૌ સાથે મળીને કરુણાનું વહેણ વહાવીએ અને અનેક ચહેરા પર ‘મુસ્કાન’ ફેલાવીએ.