Jetpur: “ધન્વંતરી જયંતી : રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” મંદિર જેવો આભાસ આપતું જેતપુરનુ ખજુરીગુંદાળા સરકારી આયુર્વેદિક દવાખાનું
તા.17/10/2025
વાત્સલયમ્ સમાચાર
એક વર્ષમાં કુલ ૧૨ હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે આયુર્વેદિક દવાનો લાભ લીધો
આધુનિક દવાખાનાથી અલગ – આયુર્વેદ પ્રત્યે શ્રદ્ધાને પુનર્જીવિત કરતું આરોગ્ય ધામ
Rajkot, Jetpur: એક કલ્પના કરો કે એક એવું દવાખાનું છે, જ્યાં દાખલ થતા જ મનમાં ડર નહીં, પણ આસ્થા જન્મે, જ્યાં દવાઓનો કડવો સ્વાદ નહીં, પણ હજારો વર્ષો જૂના જ્ઞાનની મીઠાશ અનુભવાય. આવું થાય તો દવાખાનું મંદિર બની જાય. આવું એક દવાખાનું સ્થિત છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખજુરીગુંદાળા ગામમાં. આ સરકારી દવાખાનું દૂરથી એકદમ મંદિર જેવો આભાસ આપે છે અને સમગ્ર રાજકોટ જિલ્લામાં બહારથી મંદિર જેવી શૈલી ધરાવતું આદર્શ દવાખાનું છે.
આયુર્વેદ જેવી ઉમદા ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા એવા ધન્વંતરી દેવની જન્મજયંતી આસો વદ તેરસ એટલે કે ધન તેરસના દિવસે છે. જનતાને ભારતીય ધરોહર સમાન આયુર્વેદ તરફ પાછા વાળવાના ઉદેશ્યથી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દૂરંદેશી દાખવીને ધન્વંતરી જયંતીને કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષે તા. ૧૮ના રોજ ધન તેરસ નિમિત્તે આપણે વાત કરીએ ખજુરીગુંદાળા સરકારી આયુર્વેદિક દવાખાનાની.
ખજુરીગુંદાળા સરકારી આયુર્વેદિક દવાખાનામાં હાલ આરોગ્ય અધિકારી વૈદ્ય શ્રી સમીર રામાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સેવાઓનો ગ્રામજનોને લાભ આપવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૪-‘૨૫ દરમિયાન કુલ ૧૨ હજારથી વધુ દર્દીઓને આયુર્વેદિક દવા આપવામાં આવી છે. વાર્ષિક સરેરાશ ૧૫ હજારથી વધુ લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. તેમજ ૦૩ નિદાન કેમ્પમાં ૧૪૪ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.
વધુમાં, આ આરોગ્ય મંદિર માત્ર વિનામૂલ્યે સારવાર પૂરતું સીમિત નથી, અહીં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૦૧ સ્ત્રી અને ૦૧ પુરુષ યોગ નિરીક્ષક નિયમિત રીતે સવારે યોગ શિબિર ચલાવે છે. જેમાં દર્દીઓ તથા અન્ય યોગ શીખવા ઇચ્છુક લોકોને ધ્યાન, પ્રાણાયામ, યોગાસનો અને સૂર્ય નમસ્કાર કરાવવામાં આવે છે. જેનો ગત વર્ષે અંદાજે ૦૯ હજારથી વધુ સાધકોએ લાભ લીધો હતો. હાલમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ મેદસ્વી લોકોને સ્થૂળતા દૂર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
ખજુરીગુંદાળા સરકારી દવાખાનાનું બાંધકામ લગભગ વર્ષ ૧૯૬૮માં થયું હતું, જે અન્ય બાંધકામની જેમ ભારતીય સ્થાપત્ય પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવેલું હતું. જ્યારે થોડા વર્ષો પહેલા દવાખાનાનું રિનોવેશન કરવાનું થયું ત્યારે આ બાંધકામનો મૂળ હાર્દ જળવાઈ રહે, તેવા આશય સાથે ઉપયોગીતા મુજબ બાંધકામમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ આ દવાખાનાનું આયુષમાન અરોગ્ય મંદિર (આયુષ) તરીકે નામાભિધાન થયું હોવાથી મંદિર તરીકે પૌરાણિક દેખાવ જાળવી રાખવાની પણ પ્રેરણા મળી હતી. ઉપરાંત, સામાન્ય રીતે, લોકો દવાખાનાનું નામ સાંભળીને ડર અનુભવે છે, જેની બદલે લોકો વિશ્વાસની અનુભૂતિ કરે એવો પણ રીનોવેશન વખતે વિચાર કરવામાં આવ્યો હતો.
મંદિરની શૈલી ધરાવતા આ દવાખાનામાં સ્થાનિકો ઉપરાંત બહારગામથી આવતા લોકો પણ શ્રદ્ધાપૂર્વક અહીં આયુર્વેદનું મંદિર માનીને ઔષધી લઈ જાય છે અને સ્વસ્થ થઈ જાય છે. આધુનિક દવાખાના કરતા આ દવાખાનું અલગ હોવાથી લોકો જિજ્ઞાસા સાથે પણ અહીં દવાખાનું જોવા આવે છે. આ આયુર્વેદ મંદિરમાં અંદરની સજાવટ પણ આયુર્વેદ થીમ મુજબ પ્રાચીન રીતે કરવામાં આવી છે, જ્યાં હરડે, સુંઠ, શતાવરી, આમળા, બહેડા, અશ્વગંધા, ગડુચી જનજાગૃતિ માટે નમૂનારૂપ રાખવામાં આવ્યા છે. આમ, ‘આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ)’ એ સરકારી આયુર્વેદ દવાખાનાની સાથેસાથે આપણી ભારતીય ધરોહર એવા આયુર્વેદ પ્રત્યે લોકોની શ્રદ્ધાને પુનર્જીવિત કરતું આરોગ્ય ધામ છે.