Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં નાગરિક પુરવઠા અને પી.એમ. પોષણ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઈ
તા.18/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં રાજકોટ શહેર – જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પી.એમ. પોષણ યોજના અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ કામગીરીઓ વિષે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અંત્યોદય રાશન કાર્ડ અને અગ્રતા ધરાવતા કુટુંબોને આવશ્યક ચીજવસ્તુઓ ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ, વન નેશન, વન રાશન કાર્ડ યોજના અંતર્ગત થયેલી કામગીરી, તાલુકા પ્રમાણે વાજબી ભાવની દુકાનોની સંખ્યા અને તેની તપાસ, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઇ-કે.વાય.સી.ની કામગીરી, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી, સીઝર વાજબી ભાવની દુકાનો સહિતની બાબતોની સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત, મધ્યાહન ભોજન યોજનાની જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમ મોનીટરીંગ કમિટીની મીટિંગમાં કલેક્ટરશ્રીએ પી.એમ. પોષણ યોજનાના અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. તેમજ આ યોજનાના કેન્દ્રો અને લાભાર્થી બાળકોની સંખ્યા, ખાદ્ય પદાર્થોનાં નમૂના, સ્કૂલ ન્યુટ્રીશન ગાર્ડન, કીચન કમ સ્ટોરની વ્યવસ્થા, બાળકોને ભોજન માટે શેડ બનાવવા અને રીપેરિંગ, અધિકારીઓને સોંપાયેલા તપાસણી લક્ષ્યાંક સામે માસવાર થયેલી કામગીરી, ગ્રાન્ટ અંગે અધિકારીઓ સાથે ચર્ચા-પરામર્શ કર્યો હતો. તેમજ શાકભાજી, મરી મસાલાનો દર, મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર યોજનાની વાનગીનું મેનુ, તિથિ ભોજન વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઇલાબેન ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી વિમલકીર્તિ ચક્રવર્તી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.