Rajkot: દિપોત્સવ = રંગોત્સવ રંગીલા શહેરનાં રેસકોર્સમાં આગવી કલાથી મેઘધનુષી રંગો પુરતા કલાકારો
તા.18/10/2025
વાત્સલયમ્ સમાચાર
રંગોળી આપણને ધીરજ, એકાગ્રતા અને સુંદરતા પ્રતિ સન્માન શીખવે છે
Rajkot: દિવાળી આપણા જીવનમાં ઉજાસ ફેલાવી જીવનને ખુશનુમા બનાવે છે. અવનવા દીવડા પ્રકાશ ફેલાવી અંધકારને દૂર કરે છે. રંગોળી આપણને ધીરજ, એકાગ્રતા અને સુંદરતા પ્રતિ સન્માન શીખવે છે. શણગાર, દીવડા અને રંગોળી વગરની દિવાળી કલ્પી ન શકાય. રાજકોટનાં રેસકોર્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી કાર્નિવલનું આયોજન કરાયું છે. તા.૧૬થી શરૂ થયેલા આ કાર્નિવલને માણવા શહેરીજનો રાત્રીએ રેસકોર્સ ખાતે પરિવાર સાથે પહોંચે છે. રાત્રીએ રેસકોર્સ રંગોળી સ્પર્ધા, લેસર શો તથા મ્યુઝિકના કાર્યક્રમોથી શોભિત થઈ જાય છે. દિવાળી પર્વ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધા યોજાઇ છે. કલાકારોની રંગીન ક્રિએટિવિટીને જોવા તેમજ રંગોળીને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવા રાજકોટવાસીઓ ઉત્સાહી બન્યા છે. લોકોની ભીડ જોઈને રંગોળીના સ્પર્ધકોનો પણ ઉત્સાહ વધે તે સ્વાભાવિક છે.
કોર્પોરેશનની વ્યવસ્થાને બિરદાવતા રંગોળી સ્પર્ધક સમીક્ષા પટેલે પ્રથમ વખત રંગોળી કાર્નિવલમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું કે, દિવાળી દરમિયાન દર વર્ષે રેસકોર્સમાં રંગોળી જોવા આવતી હતી. તેમાથી પ્રેરણા મેળવી આ વર્ષે સ્પર્ધામાં ભાગ લઇ હું અત્યંત ખુશ છું.
રેસકોર્સમાં રંગોળીના સ્પર્ધકોએ વિવિધ થીમ-વિષય આધારિત રંગોળી બનાવી છે. હોમિયોપેથીની વિદ્યાર્થિની આસ્થા જોબનપુત્રાએ પણ પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રેસકોર્સમાં સૌ સ્પર્ધકો સાથે મળીને રંગોળી કરતા હોય છે તેમાં પરિવાર અને અરસપરસમાં સહકારની ભાવના જોઈને પ્રેરાયેલ આસ્થાબહેને હોમિયોપેથી બેઈઝ રંગોળી બનાવી છે. તેમણે કહ્યું કે, લોકોમાં હોમિયોપેથી તરફ જાગૃતિ વધે તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને તે હેતુ સાથે હોમિયોપેથીને લગતી રંગોળી બનાવી છે.
છેલ્લા ત્રણ વર્ષથી રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ફાલ્ગુનીબેન ચુડાસમાએ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો છે. પોતાના બે મહિનાના બાળકને સાથે રાખીને રંગોળી બનાવતા ફાલ્ગુની બહેન અને તેમના પતિ બંને રંગોળી કલાકારો છે અને દર વર્ષે આ સ્પર્ધામાં ભાગ લે છે. આ સ્પર્ધા થકી આ ઉજાસના તહેવારમાં અમે બંને પતિ પત્ની અમારા બાળક સાથે રંગોળીમાં અને અમારા જીવનમાં પણ મેઘધનુષી રંગો પૂરી રહ્યા છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.