દેશમાં ઓનલાઈન છેતરપિંડી વિશેષરૂપે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં ધરખમ વધારો !!!
દેશમાં ઓનલાઈન છેતરપિંડી વિશેષરૂપે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે અને નકલી ન્યાયિક આદેશો દ્વારા નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને સીબીઆઈ પાસેથી જવાબ માગ્યો છે. આ સાથે સુપ્રીમે કહ્યું કે, આ પ્રકારના ગુના દેશના નાગરિકોનો સરકાર પરથી વિશ્વાસ ડગમગાવી શકે છે.
હરિયાણાના અંબાલામાં કોર્ટના નકલી આદેશોના આધારે એક વૃદ્ધ યુગલને ડિજિટલ અરેસ્ટ કરીને છેતરવાના કેસના સમાચારોની સુપ્રીમે નોંધ લીધી હતી. આ ઘટનામાં સાયબર ગુનેગારોએ વૃદ્ધ દંપતી પાસેથી રૂ. 1.05 કરોડ પડાવી લીધા હતા.
ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે, આ કોઈ એવો સામાન્ય ગુનો નથી કે તે પોલીસને તપાસ ઝડપી કરવાનો અને કેસનો તાર્કીક અંત લાવવાનો આદેશ આપે. હકીકતમાં આ બાબતે કેન્દ્ર અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધારવાની અને આ પ્રકારની ગુનાઈત પ્રવૃત્તિઓને ડામી દેવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ વધી રહી હોવાની ચેતવણી આપી હતી. આ સાથે 73 વર્ષનાં એક વૃદ્ધાંએ કોર્ટના આદેશો બતાવીને તેમની સાથે ડિજિટલ છેતરપિંડી કરાઈ હોવાનો સીજેઆઈ ગવઈને પત્ર લખ્યો હતો. આ સંદર્ભમાં સુપ્રીમે સીબીઆઈને સુઓમોટો કેસ નોંધવા નિર્દેશ આપ્યા છે.
બેન્ચે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશો તથા ન્યાયાધીશોના હસ્તાક્ષરો કરી વરિષ્ઠ નાગરિકો સહિત નિર્દોષ લોકોને ડિજિટલ અરેસ્ટ કરવા એ ન્યાયીક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસ પર આઘાત કરવા સમાન છે. આ પ્રકારના કૃત્યો ન્યાયતંત્રના ગૌરવ પર સીધા હુમલા સમાન છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશોના નામ, સીલ અને ન્યાયીક આદેશોનો ગુનાઈત દુરુપયોગ અને નકલી દસ્તાવેજો ખરેખર ચિંતાજનક બાબત છે અને તેને સામાન્ય ગુના માનવા જોઈએ નહીં.