સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગની વધુ એક સિદ્ધિ : 25 વર્ષ પહેલાં સારવાર કરાયેલી કિડનીમાં ફરી થયેલ કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી સફળતાપૂર્વક દૂર — દર્દીનો જીવ બચાવ્યો, કિડનીની કામગીરી યથાવત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : સિવિલ હોસ્પિટલ, અમદાવાદના યુરોલોજી વિભાગના તબીબોએ અત્યાધુનિક લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા એક દુર્લભ અને જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દર્દીનો જીવ બચાવ્યો છે. 56 વર્ષીય દર્દીની તે જ કિડનીમાં 25 વર્ષ બાદ ફરીથી કેન્સર ઉદ્ભવતા, નિષ્ણાત તબીબોની ટીમે અતિસુક્ષ્મ ટેક્નિકથી માત્ર કેન્સરગ્રસ્ત ભાગ દૂર કર્યો અને કિડનીની કામગીરી યથાવત રાખવામાં સફળતા મેળવી.
વિભાગના વડા ડોક્ટર શ્રેણિક શાહે માહિતી આપતાં જણાવ્યું કે દર્દી છેલ્લા ત્રણ મહિનાથી અચાનક વજન ઘટવા જેવી તકલીફ અનુભવી રહ્યા હતા. તપાસ દરમિયાન જણાયું કે વર્ષ 2000માં ડાબી કિડનીના નીચલા ભાગમાં થયેલા કેન્સર માટે તેઓએ ઓપન પાર્શિયલ નેફ્રેક્ટોમિ સર્જરી કરાવી હતી. આ વખતે તપાસમાં ડાબી કિડનીના ઉપરના ભાગમાં આશરે 34×28 મીમી સાઇઝની નવી ગાંઠ જોવા મળી. વધુ તપાસ માટે કરાયેલા PET-સ્કેનમાં શરીરના અન્ય ભાગમાં કેન્સર ફેલાયેલો ન હતો.
આ પરિસ્થિતિને ધ્યાને લઈને યુરોલોજી વિભાગના ડૉક્ટર શ્રેણિક શાહના માર્ગદર્શન હેઠળ નિષ્ણાતોની ટીમે લેપ્રોસ્કોપિક લેફ્ટ પાર્શિયલ નેફ્રેક્ટોમિ સર્જરી કરવાની યોજના ઘડી. સર્જરી દરમિયાન ડોક્ટરો એ અતિસુક્ષ્મ સાધનો વડે કિડનીનો કેન્સરગ્રસ્ત ભાગ દૂર કર્યો. સર્જરી દરમિયાન અથવા બાદમાં કોઈપણ જટિલતા સર્જાઈ નહોતી અને દર્દીની સ્થિતિ સ્થિર રહી. એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર નિલેશ સોલંકી અને તેમની ટીમે સફળ સહકાર આપ્યો હતો.
સર્જરી બાદ હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં કિડનીમાં “ક્લિયર રીનલ સેલ કાર્સિનોમા” હોવાની પુષ્ટિ થઈ. બાદમાં કરાયેલા સીરમ ક્રિએટિનિન અને એસ્ટિમેટેડ GFR ટેસ્ટોમાં કિડનીની કામગીરી સંપૂર્ણ સ્વસ્થ જણાઈ. માત્ર કેન્સરગ્રસ્ત ભાગ દૂર કર્યા પછી પણ કિડની સામાન્ય રીતે કાર્યરત રહેવી એ ડોક્ટરો માટે મોટી સફળતા ગણાય છે.
ડોક્ટર શ્રેણિક શાહે જણાવ્યું કે ધુમ્રપાન, બ્લડ પ્રેશર, ફેમીલી હિસ્ટ્રી તથા યુવાન વયે રીનલ સેલ કાર્સિનોમા થવાનું જોખમ વધુ રહે છે. સમયસરની તપાસ અને યોગ્ય સારવાર દર્દીના જીવનરક્ષણમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે છેલ્લા એકાદ વર્ષમાં યુરોલોજી વિભાગમાં લેસર ટેક્નોલોજી દ્વારા કિડનીની પથરી તોડવાની તેમજ 3D લેપ્રોસ્કોપી જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કિડની, પેશાબની નળી, મૂત્રાશય અને મૂત્રમાર્ગ સંબંધિત જટિલ બીમારીઓની પણ આધુનિક સારવાર અહીં ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે વધુમાં વધુ દર્દીઓને આ સુવિધાનો લાભ મળી શકે તે માટે સિવિલ હોસ્પિટલ સતત આરોગ્યસેવામાં નવીનતા અને સુધારણા તરફ પ્રયત્નશીલ છે.
આ સફળ ઓપરેશન સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગની નિપુણતા અને આધુનિક તકનીકી કૌશલ્યનું પ્રતિબિંબ છે, જે રાજ્યના સરકારી આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.






