ARAVALLIGUJARATMODASA

અરવલ્લીનો તેજસ્વી વારસો :- દિવાળીની રાત્રે ડુંગર શિખર પર પ્રગટતું ૧૩ ફૂટ ઊંચું ‘મેરાયું’

જિલ્લાના મોડાસા નજીક આવેલાં શામપુર ગામની એવી જ એક અનોખી પરંપરા છે.દિવાળીની રાત્રે ગામની બાજુનાં ઊંચા ડુંગર પર ૧૩ ફૂટ ઊંચું મેરાયું ઘીથી પ્રગટાવવામાં આવે છે

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લીનો તેજસ્વી વારસો :- દિવાળીની રાત્રે ડુંગર શિખર પર પ્રગટતું ૧૩ ફૂટ ઊંચું ‘મેરાયું’

આજના આધુનિક યુગમાં, જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓ કાળની ગર્તામાં વિલય પામી રહી છે, ત્યારે કેટલીક પરંપરાઓ આજે પણ પોતાના અસ્તિત્વનો દીવો પ્રગટાવી જીવંત છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલાં શામપુર ગામની એવી જ એક અનોખી પરંપરા છે.દિવાળીની રાત્રે ગામની બાજુનાં ઊંચા ડુંગર પર ૧૩ ફૂટ ઊંચું મેરાયું ઘીથી પ્રગટાવવું. પેઢી દર પેઢી જળવાયેલો આસ્થાનો જાણે પ્રકાશપુંજ છે.

સમયની સળવળ અને પરંપરાનું અસ્તિત્વ

જૂની પેઢીના લોકો દિવાળીના તહેવાર સાથે જોડાયેલા ‘મેરાયું’ શબ્દ સાથે પરિચિત છે, પરંતુ નવી પેઢી માટે તે જાણે એક અજાણી કહાની બની ગયું છે. એક સમય હતો જ્યારે ગામનાં બાળકો હાથમાં મેરાયું લઈને ગામભરમાં ફરી ‘આજ દિવાળી, કાલ દિવાળી, ગોકુળિયામાં ઉજવાય દિવાળી…જેવા સૂરો સાથે તેલ પુરાવા નીકળતાં. પરંતુ સમયની સળવળે તે દૃશ્ય ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યું

જોકે, શામપુર ગામે આજે પણ આ અવિરત પરંપરાને જીવંત રાખી છે. ગામના શિખર જેવા ડુંગર પર દર દિવાળીએ મેરાયું પ્રગટાવવાની પ્રથા માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પણ તે ગામની આસ્થા, એકતા અને અજોડ સંસ્કૃતિનું પ્રતીક છે. સ્થાનિકોનું માનવું છે કે આ પ્રથા મહાભારતકાળથી ચાલી આવી છે, જ્યારે કેટલાક વિદ્વાનો ઈડર રાજ્યકાળ દરમિયાન તેની શરૂઆત થઈ હોવાનું માને છે.

*તેજસ્વી જ્યોતની ગાથા*

આ મેરાયું ઈંટ અને ચૂનાથી બનેલું છે. કોણે અને ક્યારે તેનું નિર્માણ કર્યું તેનો કોઈ લેખિત પુરાવો નથી, પરંતુ વર્ષોથી દિવાળીના પવિત્ર દિવસે તેમાં ઘી પૂરી પ્રગટાવતા સમગ્ર વિસ્તાર દીપોત્સવના ઝળહળતા પ્રકાશથી ઝગમગી ઊઠે છે. રજવાડા સમયમાં કહેવાય છે કે આ મેરાયામાં પાંચ મણ જેટલું ઘી હોમવામાં આવતું હતું. સુતરાઉ ધોતીની દિવેટ તૈયાર થતી, અને તે તેજસ્વી જ્યોતિ રાત્રિભર ઝળહળતી રહેતી.સમયની સાથે ઘીનો ઉપયોગ ઘટાડી પરંપરાને અડગ રાખવા માટે મેરાયામાં તાંબાની કુંડી ફિટ કરવામાં આવી. આ વ્યવસ્થાથી ઘી ઓછું વપરાય છતાં મેરાયું અવિરત પ્રગટતું રહે છે.

દિવાળીની રાત્રે ગામજનો ચોકમાં એકત્ર થાય છે. હાથમાં શ્રીફળ, ઘી અને પૂજાસામગ્રી લઈને તેઓ વાજતે-ગાજતે ડુંગર ચડવા નીકળે છે. શિખરે પહોંચીને સૌ પ્રથમ ગામ, પ્રજા અને પશુઓની સુખાકારી માટે પ્રાર્થના થાય છે, ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાયું પ્રગટાવવામાં આવે છે. તે ક્ષણે ડુંગર જાણે પ્રકાશથી જ્વલંત થઈ ઊઠે છે જાણે ધરા પર ઉતરેલો દીપોત્સવ.. ! આ પરંપરાનું ભવ્ય દૃશ્ય જોવા બહારગામના લોકો પણ શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે. ઊંચા ડુંગરની ટોચે ઝળહળતું મેરાયું અને તેની પાછળની લોકકથા સાંભળીને દરેકના હૃદયમાં આશ્ચર્ય અને આદર જન્મે છે.સમયના પ્રવાહે અનેક ગ્રામ્ય પરંપરાઓ લુપ્ત થઈ ગઈ છે, પરંતુ શામપુર ગામ આજે પણ આ દીપપરંપરા જીવંત રાખી દિવાળીને સાચા અર્થમાં ‘પ્રકાશપર્વ’ બનાવી રહ્યું છે. ‘ભગવદ્ગોમંડલ’ મુજબ મેરાયુંનો અર્થ છે હાથે પકડીને ઊંચું રાખેલું સળગતું ડફણું, પરંતુ શામપુરમાં આ અર્થ ડુંગરની ઊંચાઈએ નવી ઊંચાઈ મેળવે છે.અહીં મેરાયું માત્ર સળગતું ડફણું નથી, તે પરંપરાનો શાશ્વત પ્રકાશ છે.

Back to top button
error: Content is protected !!