NATIONAL

બેસતા વર્ષના દિવસે જ ભૂકંપના સમાચાર સામે આવ્યા, ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી

ભૂકંપના આંચકાઓ એટલા તીવ્ર હતાં કે, લોકો ગાઢ નિંદ્રામાંથી ઉઠીને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા

બેસતા વર્ષના દિવસે જ ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગઇકાલે રાત્રે જ્યારે તમે બધા સૂઈ રહ્યા હતા ત્યારે મધરાત્રે એક શક્તિશાળી ભૂકંપે કાશ્મીર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોને હચમચાવી દીધા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી હતી. ભૂકંપના આંચકાઓ એટલા તીવ્ર હતાં કે, લોકો ગાઢ નિંદ્રામાંથી ઉઠીને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા, જેના કારણે અનેક વિસ્તારોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પર્વતીય પ્રદેશમાં નોંધાયું હતું, પરંતુ તેના આંચકાઓ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર, બારામુલ્લા અને જમ્મુ સુધી અનુભવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઇસ્લામાબાદ, લાહોર અને પેશાવર જેવા મોટા શહેરોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી હતી. અફઘાનિસ્તાનના કાબુલ અને જલાલાબાદ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર રહી, જ્યાં લોકો ઘરો છોડી ખુલ્લા મેદાનો અને શેરીઓમાં રાત કાઢવી પડી હતી.

નોંધનીય છે કે, હાલ સુધી કોઈ મોટી જાનહાનીના અહેવાલ મળ્યા નથી, પરંતુ અનેક વિસ્તારોમાં ઇમારતોમાં તિરાડો આવી છે અને વીજળી ખોરવાઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાઓ એલર્ટ સ્થિતિમાં છે. અધિકારીઓ દ્વારા લોકોને ઘેર રહીને સુરક્ષિત રહેવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

એક ભૂકંપવિદના જણાવ્યા અનુસાર, 6.1 ની તીવ્રતાનો ભૂકંપ ચોક્કસપણે ઘાતક બની શકે, પણ તેની ઊંડાઈ વધુ હોવાથી સપાટી પર તેની અસર મર્યાદિત રહી. જો કેન્દ્ર ઓછું ઊંડું હોત તો નુકસાન વધુ થાત.

કાશ્મીર અને આસપાસના વિસ્તારો ભૂકંપપ્રવણ હોવાનું જાણીતી વાત છે. વર્ષ 2005માં આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભૂકંપશાસ્ત્રીઓ અનુસાર આ આખો પ્રદેશ હિમાલયના ટેક્ટોનિક પ્લેટના સંગમ પર આવેલા કારણે હંમેશા સંભવિત જોખમમાં રહે છે.

Back to top button
error: Content is protected !!