બોડેલીના ભરબજારમાંથી કાર ચોરીનો બનાવ — સીસીટીવીમાં કેદ થયેલી ઘટના બાદ શહેરમાં ચકચાર

તોસીફ ખત્રી બોડેલી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના વ્યસ્ત ભરબજાર વિસ્તારમાં કાર ચોરીનો બનાવ સામે આવતા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, બોડેલી S.T. ડેપો પાસે આવેલી નુરાની મસ્જિદ સામે એક વ્યક્તિએ પોતાની ઈકો કાર રાત્રિના સમયે પાર્ક કરી હતી. પરંતુ મધરાત બાદ, અંદાજે ચાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમો કાર ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.
સ્થળ પર લગાવેલા સીસીટીવી કેમેરાના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલાક શખ્સો શાંતિપૂર્વક આવી કારને ધકેલી લઈ જતા જોવા મળે છે. આ દ્રશ્યો હાલમાં પોલીસને હાથ લાગ્યા છે અને તેની તપાસ ચાલુ છે.
કાર માલિકે બોડેલી પોલીસ મથકે તરત જ ફરિયાદ નોંધાવી હતી અને ચોરાયેલી ઈકો કાર વહેલી તકે શોધી આપવા પોલીસને વિનંતી કરી છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ માટે તજવીજ શરૂ કરી ચૂકી છે અને આસપાસના વિસ્તારના પ્રવેશદ્વાર તથા હાઈવે ચેકપોસ્ટ પર પણ સૂચના આપી દીધી છે.
આ બનાવને કારણે શહેરના વેપારી વર્ગ અને સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. લોકોને પોતાના વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરવા અને રાત્રિના સમયે સાવચેતી રાખવાની અપીલ પણ પોલીસે કરી છે.






