બોડેલી હરકલી કોતરની સમસ્યા યથાવત ગંદકી ખરાબ માર્ગ અને સુરક્ષા દીવાલ તૂટી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના દીવાન ફળીયા મા હરખલી કોતર વિસ્તારમાં વર્ષોથી ગંદકીના ઢગલાં, ખરાબ માર્ગ અને તાજેતરમાં સુરક્ષા દીવાલ તૂટી જતા સ્થાનિક નાગરિકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. વિસ્તારમાં સ્વચ્છતા, માર્ગવ્યવસ્થા અને સુરક્ષાના અભાવને કારણે નાગરિકોના દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે.
ગામજનોનું કહેવું છે કે વર્ષોથી તંત્રને રજૂઆત કર્યા બાદ પણ કોઈ સ્થાયી ઉપાય હાથ ધરવામાં આવ્યો નથી. 2023માં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ તે પછી પણ પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી.
તાજેતરમાં આશરે ત્રણ મહિના પહેલા છોટાઉદેપુર જિલ્લાના કલેકટરે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, છતાં આજદિન સુધી સમસ્યા યથાવત છે. હવે સુરક્ષા દીવાલ તૂટી જતા વરસાદી પાણી અને કાદવથી લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે સુરક્ષા દીવાલની તાત્કાલિક મરામત થવી જરૂરી છે, નહિતર વરસાદી મોસમમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ગંદકીના ઢગલાં, દુર્ગંધ અને ખરાબ માર્ગો નાગરિકોમાં રોગચાળાની ભીતિ ઊભી કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તંત્ર જાણે ઘોર નિદ્રામાં છે અને આ વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર બની ગયું છે.
સ્થાનિકોએ તાત્કાલિક સુરક્ષા દીવાલની મરામત, સફાઈ અને માર્ગ સુધારાના કામ હાથ ધરવાની માંગ સાથે તંત્રને ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.







