GUJARATJUNAGADH

ગિરનારની લીલી પરિક્રમા ના લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ

ગિરનારની પરિક્રમા ના ૩૬ કિ.મી રૂટ પર પોલીસ, ફોરેસ્ટ, પીજીવીસીએલ, પાણી પુરવઠા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે

આગામી તા. 2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી છે. ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, ઈમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની પરિક્રમા રહે તે માટે જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં ગિરનારની લીલી પરિક્રમામાં જુદી જુદી કામગીરીમાં જોડાયેલા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રૂટ નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા મુદ્દા તેમજ યાત્રિકોને પરિક્રમા દરમિયાન મુશ્કેલી ન પડે અને સારી રીતે પરિક્રમા યોજાય તે માટે વિવિધ સુવિધા પર જે તે ડિપાર્ટમેન્ટની તૈયારીની વિગતો જાણીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે ટીમ વર્કથી પરિક્રમા દરમિયાન નિયત કામગીરી થાય અને સંકલન જળવાઈ રહે તે જરૂરી છે.પરિક્રમામાં લાખો ભાવિકોની સગવડતા માટે તંત્ર દ્વારા છેલ્લા એક -દોઢ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રૂટ અને રસ્તા મરામત, પીવાનું પાણી અને આરોગ્ય અગ્રસ્થાને છે. પરિક્રમા દરમિયાન આ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સમગ્ર ટીમ કામ કરશે.યાત્રિકોની સુરક્ષા અને સલામતી અને સારવાર માટે લાઇન ડિપાર્ટમેન્ટનું સંકલન રહે તે માટે પોલીસ ,ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેલ્થ પાણી પુરવઠા અને પીજીવીસીએલ ના કર્મચારીઓ પોલીસ અને ફોરેસ્ટની રાવટીમાં હાજર રહે તે પ્રકારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ આ માટે ઓનલાઇન એન્ટ્રી કરશે. અને સંબંધિત વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ અંગેનું સેડ્યુલ અને ડ્યુટી લીસ્ટ પોલીસ વિભાગને આપશે.જેનો મુખ્ય આશય ઇમર્જન્સીમાં નાગરિકોની સહાયતાનો છે.સમગ્ર પરિક્રમા દરમિયાન વિવિધ વિભાગનું આયોજન અને તેમને કરવાની તૈયારી અંગે એસડીએમ જુનાગઢ શ્રી ચરણસિંહ ગોહિલે માહિતી આપી હતી. જેમાં અગાઉના અનુભવોના આધારે કરવાના થતા સુધારા અંગે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ મહત્વની કામગીરી પરિક્રમા દરમિયાન કરવામાં આવે છે જેમાં ડી સી એફ શ્રી અક્ષય જોશીના માર્ગદર્શનમાં કરવામાં આવેલી તૈયારીઓ અને થઈ રહેલી કામગીરી ની માહિતી આપવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં સતત રાઉન્ડ ધ કલોક સફાઈની કામગીરી થાય અને પાણી પુરવઠો જળવાઈ રહે અને ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં કામગીરી કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી.આજે ગિરનારના પરિક્રમા ના આયોજન ની તૈયારી માટે છેલ્લી યોજાયેલી મિટિંગમાં પોલીસ બંદોબસ્ત પાર્કિંગ સુરક્ષા વ્યવસ્થા અને સંકલન, રૂટ પર પ્રાથમિક સારવાર ,હંગામી દવાખાના અને ભવનાથમાં ઇમરજન્સી સારવાર, રૂટ પર સારવાર માટે એમ્બ્યુલન્સ, પીવાના પાણીના પોઇન્ટ અને પરિક્રમા દરમિયાન મુકવાની થતી પાણીની ટાંકીઓ, રીક્ષા ભાડાના ભાવ નિયંત્રણ, બીએસએનએલ કોમ્યુનિકેશન અને હંગામી ટેલિફોન કનેક્શન, કંટ્રોલ રૂમ પર કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓની ફાળવણી,ખાણીપીણીના સ્ટોલનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકિંગ, દૂધના 30 પોઇન્ટ અને ત્યાં પ્લાસ્ટિક નો ઉપયોગ ના થાય તે માટે આયોજન, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનના ભાગરૂપે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ અંદર ન જાય તે માટે ચેકિંગ તેમજ યાત્રાળુઓને આ માટે માર્ગદર્શન, પરિવહન, બેગ અને લાકડી વિતરણ, સાતત્યપૂર્ણ વીજળી ઉપરાંત અન્નક્ષેત્રો સ્વૈચ્છિક સંસ્થાઓ અને સાથે સંકલન, યાત્રાળુઓની સેવા કરતી સંસ્થાઓને વાહન પાસ, એસટી અને રેલવેની સ્પેશિયલ પરિવહન વ્યવસ્થા, ક્રેન,પરિક્રમા ના રૂટ પર યાત્રિકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે સાઈન બોર્ડ ગિરનાર પર વિવિધ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરાયેલ કામગીરીનું સંકલન સમીક્ષા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.એસટી વિભાગ દ્વારા 250 એકસ્ટ્રા બસ પરિક્રમા માટે મૂકવામાં આવશે અને બસ સ્ટેશનથી ભવનાથ સુધી 60 મીની બસ ચલાવવામાં આવશે એમ એસ.ટી ના ડિવિઝનલ કંટ્રોલર શ્રી રાવલે જણાવ્યું હતું. એસટી બસમાં પણ યાત્રાળુઓને ગિરનાર ની પરિક્રમામાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ મનાય છે તેનું બોર્ડ મૂકવામાં આવશે.ગિરનારની પરિક્રમા ના આખરી આયોજન અને થયેલી તૈયારી અંગેની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, ડી સી એફ શ્રી અક્ષય જોશી, અધિક કલેક્ટર સુશ્રી બી.એસ.બારડ, એસડીએમ શ્રી ચરણસિંહ ગોહિલ તેમજ ૩૭ જેટલા વિવિધ વિભાગ કચેરીના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!