GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: દિપાવલીના શુભ તહેવારોમાં સિવિલ હોસ્પિટલ, ૧૦૮ સહિતની આરોગ્ય વિભાગની ફરજનિષ્ઠા

તા.27/10/2025

વાત્સલયમ્ સમાચાર

રાજકુમાર

રાજકોટ સિવિલમાં ૬૦૦ થી વધુ સર્જરી સાથે ૧૦ હજારથી વધુ દર્દીઓની સારવાર

પાવન પર્વમાં ઝનાના હોસ્પિટલમાં ૨૨૩ અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ૨૯ બાળ જન્મના વધામણાં

૧,૧૦૦ થી વધારે ઇમર્જન્સીના કેસમાં મદદરૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા

Rajkot: દિપાવલીના તહેવારો પરિવારજનો સૌ સાથે મળીને હર્ષોલ્લાસથી ઉજવે છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મીઓ પરિવારથી દૂર રહીને લોકોના સ્વાસ્થ્યને લઈને માનવીય અભિગમ સાથે સતત ખડે પગે ફરજ બજાવે છે.

ખાસ કરીને આ પર્વમાં ઇમર્જન્સીના કેસ વધારે જોવા મળે છે. જેના માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ, ઝનાના, પદ્મકુંવરબા હોસ્પિટલ, ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સેવાઓ પૂર્વ તૈયારી સાથે આ દિવસો દરમ્યાન સતત કાર્યરત રહી હતી.

રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે અધિક્ષક ડો. મોનાલી માંકડિયાના માર્ગદર્શનમાં તજજ્ઞ ડોક્ટર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. તા. ૨૦ થી ૨૫ દરમ્યાન ચાલુ દિવસોમાં ઓ.પી.ડી. માં ૮,૮૧૫ લોકોની સારવાર અને ૧,૮૯૭ જેટલા દાખલ થયેલા દર્દીઓને સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. વધુમાં આ દિવસોમાં ૧૮૯ મેજર અને ૫૩૮ માઇનોર સર્જરી દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની સેવા સુશ્રુષા કરી સ્વાસ્થ્ય પ્રદાન કરાયું હતું.

જ્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી માતૃ અને બાળ સંભાળ લેતી ઝનાના હોસ્પિટલમાં ૨૨૩ નવજાત બાળકોનું અવતરણ થયું છે, આ દિવસોમાં ૪૨૧ જેટલા ઇમર્જન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યાં હોવાનું ડો. કમલ ગોસ્વામીએ જણાવ્યું છે.

જયારે રાજકોટની પદ્મમકુંવરબા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે તા. ૨૦ થી ૨૩ દરમ્યાન ૧૮ નોર્મલ તેમજ ૧૧ સિઝેરિયન દ્વારા કુલ ૨૯ બાળકોના જન્મ થયાનું આર.એમ.ઓ. શ્રી નૂતનબેને જણાવ્યું છે. આ ઉપરાંત ૫૩ ઈમરજન્સી અને ૧૪૯ ડોગ બાઈટના દર્દીઓની સારવાર પૂરી પાડવામાં આવી હતી.

તહેવારોમાં ખાસ કરીને મુસાફરીનું પ્રમાણ વધી જતું હોવાથી માર્ગ અકસ્માતના ગંભીર બનાવોની સંભાવના વધારે જોવા મળે છે. આ ઉપરાંત દાઝી જવું, પ્રસૂતિ, હૃદય તેમજ ફેફસા સંબંધી ઇમર્જન્સીમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા પૂર્વ તૈયારી સાથે કાર્યરત રહી હતી.

દિવાળીથી ભાઈબીજના દિવસોમાં ૧૦૮ની ટીમ દ્વારા ૧૧૦૦ થી વધુ ઇમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતાં. જેમાં દિવાળીના દિવસે ૨૮૫, બીજા દિવસે ૩૦૧, નવા વર્ષે ૨૭૪ અને ભાઈબીજના દિવસે ૨૮૬ કેસમાં ૧૦૮ ટીમ તાત્કાલિક સારવાર પુરી પાડવામાં મદદરૂપ બની હતી.

નવું વર્ષ આરોગ્યમય રહે તેવા શુભેછા સંદેશને સાર્થક કરવામાં રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ તહેવારોમાં પણ સતત કાર્યરત રહી તેમની ફરજ નિષ્ઠા નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!