GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તણાવમુક્ત શિક્ષણ અંગે બેઠક યોજાઈ

તા.27/10/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તાજેતરમાં કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તણાવમુક્ત શિક્ષણ અંગે જિલ્લા સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓની તણાવમુક્તિ અને માનસિક હિતોના રક્ષણની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ શાળાઓમાં ફરિયાદ રજિસ્ટર નિભાવવા તેમજ શાળા સલાહકાર શ્રી ભાવનાબેન ભોજાણીએ રાષ્ટ્રીય મહિલા આયોગ સાથે સંકલન કરીને શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને ભવિષ્યના પ્રશ્નો સંદર્ભે માનસિક રીતે તૈયાર કરીને જાગૃત કરવા માટે સૂચના આપી હતી.

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલે શાળાઓમાં એન્ટી રેગિંગ સેલ, સાયકોલોજી સેલ, જાતિગત ભેદભાવ સેલ, ઇકવલ ઓપરચ્યુનિટી સેલ અને ફરિયાદ નિવારણ સેલની રચના વિશે જાણકારી આપી હતી. અને વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે તાલુકા અને શહેર કક્ષાએ હેલ્પલાઇન નંબર શરુ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ૧૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં જિલ્લા કક્ષાએ આઠ જેટલા કાઉન્સેલર દ્વારા વિદ્યાર્થીઓનું રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો શાળાઓમાં યોજવામાં આવે છે.

નોડલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી યોગેશભાઈ ભટ્ટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માનસિક સ્વસ્થતાના કાર્યક્રમ અંતર્ગત થતી કામગીરી, તેની પૃષ્ઠ ભૂમિકા અને આગામી આયોજનની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ શ્રી યોગેશભાઈ જોગસણે તણાવમુક્તિ બાબતે એક્શન પ્લાન રજૂ કર્યો હતો. મનોવિજ્ઞાનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધારાબેન દોશીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે કરેલી કામગીરીની માહિતી આપી હતી. તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીએ બાળ સુરક્ષાની કામગીરી જણાવી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફુલમાળી, સમાજ કલ્યાણ, પોલીસ, બાળ સુરક્ષા સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!